ઓખાના ડાલડા મત્સ્ય બંદરે વેકેશન શરૂ: અઢી હજારથી વધુ બોટો કાંઠે લાંગરાઈ

  • June 24, 2026 08:46 AM 

ઓખાના ડાલડા મત્સ્ય બંદરે વેકેશન શરૂ: અઢી હજારથી વધુ બોટો કાંઠે લાંગરાઈ

ગુજરાતના અવલ નંબરના મત્સ્ય બંદર ગણાતા ઓખાના ડાલડા બંદરે આજથી માછીમારીના વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. જૂન મહિનાથી શરૂ કરીને ઓગસ્ટ મહિના સુધીના અઢીથી ત્રણ મહિનાના આ વેકેશન ગાળાને કારણે દરિયામાં જતી તમામ બોટો પરત ફરી છે અને હાલ બંદર પર અઢી હજારથી વધુ બોટો કાંઠે લાંગરી દેવામાં આવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ઓખા ખાતે અઢી હજારથી વધુ બોટો નોંધાયેલી છે. આ બોટોમાં માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ દક્ષિણ ગુજરાત, વણાકબારા, માંગરોળ, વેરાવળ અને પોરબંદર સહિતના વિવિધ વિસ્તારોની બોટોનો સમાવેશ થાય છે. ઓખામંડળ બહારથી આવેલા હજારો પરિવારો અહીં રહીને પોતાનો માછીમારીનો વ્યવસાય ચલાવે છે અને આ બંદર તેમની રોજીરોટીનું મુખ્ય કેન્દ્ર છે. વેકેશન શરૂ થતાં જ બંદર પર ખલાસીઓ અને શ્રમિકોની ચહલપહલ શમી ગઈ છે. મત્સ્ય ઉદ્યોગ એ દેશના અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વનો ઉદ્યોગ છે. અહીંથી જુદા-જુદા પ્રકારની માછલીઓ અને દરિયાઈ જીવોની મોટા પાયે વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. ઓખાનું આ ડાલડા બંદર દર વર્ષે સરકારને કરોડો રૂપિયાનું કિંમતી વિદેશી હૂંડિયામણ કમાવી આપે છે.
​​​​​​​
ડાલડા બંદર પર માત્ર બોટ માલિકો કે ખલાસીઓ જ નહીં, પરંતુ ટ્રાન્સપોર્ટ, બરફ ફેક્ટરી અને પેકિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો લોકોની પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી આ અઢી હજાર બોટો સાથે જોડાયેલી છે. હવે ત્રણ મહિનાના આ આરામ બાદ ઓગસ્ટના અંતમાં ફરી એકવાર આ બંદર ધમધમતું થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application