હાલારમાં બાળકો માટે જોખમી ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ

  • July 18, 2026 06:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારમાં બાળકો માટે જોખમી ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ

આરોગ્ય તંત્રમાં દોડધામ: શહેરના રવિપાર્ક અને ગણપતનગર વિસ્તાર તથા દ્વારકાના મળી ત્રણ બાળકમાં વાયરસના લક્ષણો દેખાતા જી.જી.હોસ્પિટલમાં સારવારમાં

ત્રણેય બાળકોના લોહીના સીરમ અને મગજમાંથી સીએસએફના નમૂના લેવાયા: રિપોર્ટની જોવાતી રાહ: અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી 

હાલારમાં બાળકો માટે અત્યંત જોખમી ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસથી વાલીઓમાં ભારે ચિંતા તો આરોગ્ય તંત્ર દોડધામ મચી ગઇ છે. શહેરના રવિપાર્ક અને ગણપતનગર વિસ્તારના બે બાળકો તથા દ્વારકામાં વંદે માતરમ સોસાયટીમાં રહેતા એક છ વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા છે. બંને બાળકોના લોહીના સીરમ અને મગજમાંથી સીએસએફના નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા હોય રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. શહેરના બંને વિસ્તારોમાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ સહીતની આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. 
​​​​​​​
રાજયમાં બાળકો માટે અત્યંત જોખમી ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઇ છે અને અત્યાર સુધીમાં પાંચ બાળકોના મૃત્યુ નિપજયાનું નોંધાયું છે. ત્યારે જામનગરમાં પણ ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે. કારણ કે, શહેરના જુદા-જુદા વિસ્તારમાં રહેતા બે બાળકોને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાયા છે. મળતી વિગત અનુસાર શહેરના વોર્ડ નં.૬ માં ઢીંચડા રોડ પર રવિપાર્ક વિસ્તારમાં રહેતા ૨ વર્ષના બાળકને  ભારે તાવ અને આંચકી આવતા બે દીવસ પહેલા રાત્રીના જી.જી.હોસ્૫િટલમાં સારવાર અર્થે આવ્યો હતો. જયારે વોર્ડ નં.૬ અને૭ ની છેવાડે આવેલા ગણપતનગર વિસ્તારમાં રહેતા એક ૧૧ મહીનાના બાળકોને પણ અતિશય તાવ આવતા જી.જી.હોસ્પિટલના બાળકોના વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જયારે દ્વારકામાં રહેતા એક છ વર્ષના બાળકને પણ ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો દેખાતા તબીબોએ ત્રણેયના લોહીના સીરમ અને મગજમાંથી સીએસએફના નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. આથી બંને બાળકોના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. હાલમાં બંને બાળકો જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.બીજી બાજુ શહેરમાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસના પગલે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત રવિપાર્ક અને ગણપતનગર વિસ્તારમાં ૫૦-૫૦ ઘરનો સર્વે તથા દવા છંટકાવ સહીતની આરોગ્યલક્ષી કામગીરી યુઘ્ધના ધોરણે કરવામાં આવી છે.

સેન્ડફલાય માખી કરડવાથી રોગ થાય છે, 0 થી ૧૫ વર્ષના બાળકોમાં જોવા મળે છે:
સેન્ડફલાય માખી કરડવાથી ચાંદીપુરા રોગ થાય છે. જે 0 થી ૧૫ વર્ષના બાળકોમાં જોવા મળે છે.આ માખી ઘરની અંદરની બાજુ કાચી કે પાકી દીવાલ, પશુવાડા, વાડા-ખેતરના ખૂણા,માટીની કાચી દીવાલ પરની તીરાડ, ભેજવાળા વાતાવરણમાં રહે છે. આ માખી તેની ઉત્પતિ માટે ઇંડા મૂકે છે. તેમાંથી મચ્છરની જેમ અનુક્રમે ઇયળ-કોસેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. વળી, નરી આંખે જોઇ શકાય તેવી સામાન્ય માખી કરતા સેન્ડફલાય માખી ચાર ગણી નાની હોય છે.​​​​​​​

સતત વધુ પડતો તાવ, ઝાડા રોગના લક્ષણો, બચવા માટે આ તકેદારી જરૂરી:
બાળકોને સતત વધુ પડતો તાવ આવવો, ઝાડા અને ઉલ્ટી થવી, ખેંચ આવવી, અર્ધસભાન કે બેભાન થવું તે સેન્ડફલાય માખીથી ફેલાતા ચાંદીપુરા રોગના લક્ષણો છે. આ રોગથી બચવા માટે ઘરની દીવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલા છીદ્વો અને તીરાડ બુરાવી દેવા જોઇએ.ઘરની અંદરના ભાગે શકય હોય ત્યાં સુધી હવા ઉજાસ(સૂર્ય પ્રકાશ) આવે તેવી વ્યવસ્થા કરવી.૧૫ વર્ષના બાળકોને જંતુનાશક દવાયુકત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો. બાળકોને શકય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં કે ધૂળમાં રમવા દેવા નહીં. રોગના લક્ષણો દેખાય તો તાકીદે હોસ્પિટલમાં રીફર કરવાની કાર્યવાહી કરવી.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application