ખંભાળિયાની સગીરાના ફોટા વાયરલની ધમકી, ખંડણીના પ્રકરણમાં સુરતના બે શખ્સોને ચાર વર્ષની કેદ

  • July 08, 2026 05:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાની સગીરાના ફોટા વાયરલની ધમકી, ખંડણીના પ્રકરણમાં સુરતના બે શખ્સોને ચાર વર્ષની કેદ

ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો 

ખંભાળિયા તાલુકાની એક સગીરાના ફોટા તેમજ વિડિયો વાયરલ કરવાની ધમકી આપી, ખંડણી ઉઘરાવવા સબબ સુરતના બે ભાઈઓ સામે નોંધાયેલી ફરિયાદમાં ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા બંને આરોપીઓને ચાર વર્ષની કેદ તથા રોકડ દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ સમગ્ર પ્રકરણની સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક પરિવારની સગીર વયની પુત્રીના ફોટા-વિડિયો યેનકેન પ્રકારે મેળવી વાયરલ કરવા સબબ અને સુરતના સબરી નગર, વેડ દરવાજા વિસ્તારમાં રહેતા આરોપી ભાઈઓ એવા અકરમ હુસેન સાંજી અને અકબર હુસેન સાંજી નામના બે શખ્સો સામે અહીંના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૪ ના સમયગાળા દરમિયાન ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પ્રકરણમાં આરોપી દ્વારા વોટ્સએપ ગ્રુપ બનાવી અને સગીરાના અશ્લીલ ફોટા આ ગ્રુપમાં શેર કરવામાં આવ્યા હતા. આ પછી આરોપીએ સગીરાને વોટ્સએપમાં મેસેજ કરેલ કે દસ મિનિટમાં પૈસા મોકલી આપજે, નહીંતર તારા ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ અને તારી ક્યાંય સગાઈ નહીં થાય. જો સગાઈ થશે તો તોડાવી નાખીશ.

આ રીતે આ બંને આરોપી ભાઈઓએ ભોગ બનનાર - ફરિયાદીના અન્ય સંબંધીઓને પણ અશ્લીલ ફોટા મોકલી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા આ પ્રકરણ સંદર્ભ ગત તા. ૩ માર્ચ ૨૦૨૪ ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધવામાં આવી હતી. આને અનુલક્ષીને સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઈ. ડી.એચ. ભટ્ટ અને પી.પી. બ્રહ્મભટ્ટ તથા પબુભાઈ ગઢવીની ટીમ દ્વારા આરોપીઓને ઝડપી લઇ, અહીંની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બંને સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.
​​​​​​​
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે મુખ્ય જિલ્લા સરકારી વકીલ ભગીરથસિંહ એસ. જાડેજા દ્વારા અહીંની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એસ.જી. મનસુરી સમક્ષ વિવિધ આધાર પુરાવાઓ તેમજ દલીલો રજૂ કરતા અદાલતે આરોપીઓને ચાર વર્ષની સખત કેદ તથા કુલ રૂપિયા ૨,૬૫,૦૦૦ નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ ઉપરાંત આરોપીઓએ ભરેલા દંડની રકમમાંથી ભોગ બનનારને રૂ. અઢી લાખ વળતર પેટે ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application