દેવભૂમિ દ્વારકામાં ભૂરાયા આખલાંઓનો આતંક

  • July 09, 2026 06:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકામાં ભૂરાયા આખલાંઓનો આતંક

આખલાઓની જંગમાં રીક્ષાને અડફેટે લીધી: સદનસીબે જાનહાનિ ટળી

દ્વારકા શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. યાત્રાધામ તરીકે જાણીતા શહેરમાં જાહેર માર્ગો પર આખલાઓ વચ્ચેની બાખડવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ તેમજ યાત્રાળુઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

દ્વારકાના રેલવે સ્ટેશન રોડ પર બે આખલાઓ અચાનક સામસામે આવી જતાં ઉગ્ર રીતે બાખડી પડ્યા હતા. બંને આખલાઓ એકબીજાને ધક્કા મારતા રોડ પર દોડધામ મચી ગઈ હતી. આ દરમિયાન રસ્તાની બાજુમાં પાર્ક કરેલી એક રીક્ષા તેમની અડફેટે આવી જતાં રીક્ષાને ભારે નુકસાન પહોંચ્યું હતું. આખલાઓના જોરદાર અથડામણના કારણે રીક્ષાના ભાગોને નુકસાન થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા.

સદનસીબે ઘટના સમયે રીક્ષામાં કોઈ મુસાફર કે ચાલક હાજર ન હોવાથી કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના બની નહોતી. જો તે સમયે રોડ પર વધુ અવરજવર હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.

આ ઘટનાના દ્રશ્યો ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા, જે બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ બન્યો છે. વીડિયો સામે આવ્યા બાદ શહેરમાં ફરી એકવાર રખડતા ઢોરના પ્રશ્ને ચર્ચા જામી છે.
​​​​​​​
સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ નગરપાલિકાના તંત્રને શહેરમાં રખડતા આખલાઓ અને અન્ય ઢોરને પકડી યોગ્ય સ્થળે ખસેડવા તેમજ જાહેર માર્ગો પર લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે. યાત્રાધામમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવતા હોવાથી આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કાયમી ઉકેલ લાવવાની જરૂરિયાત વધુ તીવ્ર બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application