જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની ટીમ દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ

  • June 19, 2026 11:36 AM 

જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની ટીમ દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ

આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જરની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં બાળ સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય અને બાળ કલ્યાણ સંબંધિત વિવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની ટીમ આજે જામનગર જિલ્લાની મુલાકાતે છે ત્યારે આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જરની અધ્યક્ષતામાં તથા જિલ્લા કલેકટર પી.બી.પંડ્યાની ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં બાળ સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય અને બાળ કલ્યાણ સંબંધિત વિવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લાની વિવિધ વિભાગીય કચેરીઓના અધિકારીઓએ બાળકોના હિત અને અધિકારોને લગતી કામગીરીની વિગતો રજૂ કરી હતી.

બેઠક દરમિયાન જિલ્લામાં કાર્યરત બાળ સંરક્ષણ ગૃહો (CCIs), બાળ કલ્યાણ સમિતિ (CWC), જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (JJB), આંગણવાડી કેન્દ્રો, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી, શ્રમ વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ 5 બાળ સંરક્ષણ સંસ્થાઓ કાર્યરત છે, જેમાં 249 બાળકોને સંભાળ અને સુરક્ષા આપવામાં આવી રહી છે. છેલ્લા વર્ષોમાં મોટી સંખ્યામાં બાળકોનું સફળ પુનર્વસન કરવામાં આવ્યું છે. ICDS વિભાગ દ્વારા જિલ્લામાં કાર્યરત 888 આંગણવાડી કેન્દ્રોની કામગીરી તેમજ નવા આંગણવાડી મકાનોના બાંધકામ અંગેની વિગતો રજૂ કરવામાં આવી હતી. બેઠકમાં મધ્યાહન ભોજન યોજનાના અમલીકરણની સ્થિતિ તેમજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોની કામગીરી, સમરસ હોસ્ટેલ અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા બાળ આરોગ્ય સેવાઓ, જન્મ નોંધણી, સંપૂર્ણ રસીકરણ અને બાળકોને ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ અંગે માહિતી આપી હતી. બેઠકમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન બાળ લગ્ન અટકાવવા માટે કરાયેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી. સાથે જ વિવિધ જાગૃતિ કાર્યક્રમો દ્વારા સમાજમાં બાળ લગ્ન વિરુદ્ધ સકારાત્મક સંદેશ પહોંચાડવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું હતું.

બેઠક દરમિયાન ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના પ્રતિનિધિઓએ વિવિધ વિભાગોની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું અને બાળકોના અધિકારોના સંરક્ષણ, સુરક્ષા, શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે વિભાગો વચ્ચે વધુ સંકલન સાથે કામગીરી કરવા સૂચનાઓ આપી હતી. તેમજ બાળકોના સર્વાંગી વિકાસ અને સુરક્ષા માટે પ્રતિબદ્ધતાપૂર્વક કામગીરી કરવા લગત વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું.

જિલ્લા કલેક્ટરએ તમામ વિભાગોને બાળકોના હિત સાથે સંકળાયેલી યોજનાઓ અને કાર્યક્રમોનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા તેમજ રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર સમયબદ્ધ કામગીરી કરવા સૂચના આપી હતી. 

બેઠકમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સચિવ ડી. ડી.કાપડિયા, સભ્યો અમૃતાબેન આખિયા અને કમલેશભાઈ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેકટર વિમલ ચૌધરી, લગત વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application