જામનગર: રાજ્યપાલે લતીપુર ગામની પ્રાથમિક શાળામાં રાત્રિ વિશ્રામ કર્યો

  • July 13, 2026 04:32 AM 

જામનગર: રાજ્યપાલે લતીપુર ગામની પ્રાથમિક શાળામાં રાત્રિ વિશ્રામ કર્યો

વહેલી સવારે શાળામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ કરીને સ્વસ્થતા માટે દૈનિક યોગ કરવા પ્રેરણા આપી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગર જિલ્લાના લતીપર ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ વહેલી સવારે વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો.

આ યોગ સત્ર દરમિયાન રાજ્યપાલે શાળાના વિદ્યાર્થીઓ અને ઉપસ્થિતો સાથે યોગાભ્યાસ અને પ્રાણાયામ કરી યોગથી થતા શારીરિક તેમજ માનસિક ફાયદા અંગે સહજતાથી સમજ આપી હતી. રાજ્યપાલે શીતલી, અનુલોમ-વિલોમ, ભ્રામરી, ભસ્ત્રિકા પ્રાણાયામ, મૂલ બંધ, સૂક્ષ્મ વ્યાયામ, વગેરેનો અભ્યાસ સૌ સાથે જોડાઈને કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, યોગથી શરીરની લચકતા વધે અને શરીરમાં લોહીનો સંચાર વધે છે. યોગ અનેક રોગોમાં ફાયદાકારક સાબિત થયેલ છે. યોગ એ પ્રાચીન ઋષિપરંપરાની દેન છે જે સાંપ્રત સમયની સમસ્યાઓને માટે પણ એટલી જ ઉપયોગી છે. ભાગદોડ ભરી લાઇફસ્ટાઇલમાં મેદસ્વિતા, હાયપરટેન્શન, ડાયાબિટીસ જેવી બીમારીઓ તેમજ માનસિક સ્ટ્રેસથી દૂર રહેવા માટે જીમમાં જઈને ભારે કસરત કરવા કરતા નિયમિત યોગાભ્યાસ કરવાથી શરીર વધુ સ્થાયી રીતે સ્વસ્થ બને છે. વધુમાં તેમણે દૈનિક જીવનમાં પ્રકૃતિથી નજીક રહેવા અને યોગને રોજિંદા જીવનમાં સામેલ કરવા પર ભાર મૂક્યો હતો.

શાંત વાતાવરણમાં અને ગાયત્રી મંત્રના સામૂહિક જાપ દ્વારા આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. રાજ્યપાલે મંત્રજાપની મહત્તા જણાવીને બાળકોની યોગ ક્ષમતાને બિરદાવી હતી. આ યોગાભ્યાસમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તેમજ કલેકટર પી.બી. પંડ્યા પણ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application