દેવભૂમિ દ્વારકા: કંચનપુરમાં ચોરીના કેબલ વાયરનો જથ્થો ઝડપાયો

  • July 06, 2026 08:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: કંચનપુરમાં ચોરીના કેબલ વાયરનો જથ્થો ઝડપાયો

એલસીબીએ બે શખ્સોની કરી ધરપકડ: ૫૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે

દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્થાનિક ગુના શોધક શાખા (એલ.સી.બી.)ને કંચનપુર ગામની સીમમાંથી ચોરી કરાયેલા કેબલ વાયર અને અન્ય ભંગારના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળી છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ રૂ. ૫૫,૨૫૦ કિંમતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એમ. દેવમુરારી, પીએસઆઈ એમ.આર. સવસેટા તથા એલ.સી.બી.ની અલગ-અલગ ટીમો જિલ્લામાં પેટ્રોલિંગ અને ગુનાખોરી અટકાવવા માટે સઘન વોચ રાખી રહી હતી. તે દરમિયાન એએસઆઈ ડાડુભાઈ જોગલ, કિશોરભાઈ નંદાણીયા અને હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુરને ચોક્કસ બાતમી મળી હતી કે કંચનપુર ગામે રહેતો કાદર ઉર્ફે બોદુભાઈ મુસાભાઈ કચ્છી પોતાની વાડીમાં ચોરી કરેલા ઇલેક્ટ્રિક એલ્યુમિનિયમ તથા કોપરના કેબલ વાયર સંતાડી રાખ્યો છે.

મળેલી બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વાડી પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્યાંથી ચોરીનો કેબલ વાયર તથા અન્ય ધાતુનો ભંગાર મળી આવતા પોલીસે સ્થળ પરથી બે શખ્સોને કાયદેસર કબજામાં લીધા હતા.

પોલીસે આરોપી કાદર ઉર્ફે બોદુભાઈ મુસાભાઈ કચ્છી (ઉ.વ. ૩૬), રહે. કંચનપુર, બીજલનગર, તા. ખંભાળીયા તથા યાસીન ઉર્ફે સદામ અલ્લારખા કચ્છી (ઉ.વ. ૩૩), રહે. કંચનપુર, તા. ખંભાળીયાની ધરપકડ કરી છે.

દરોડા દરમિયાન પોલીસે અંદાજે ૨૪૭ કિલોગ્રામ કેબલ વાયર, કિંમત રૂ. ૫૦,૨૫૦ તેમજ ૧૦૦ કિલોગ્રામ ધાતુના તારના ટુકડા અને અન્ય ભંગાર, કિંમત રૂ. ૫,૦૦૦ મળી કુલ રૂ. ૫૫,૨૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં આ કેબલ વાયર ધરમપુર વિસ્તારમાં આવેલી ગછઊ કંપનીમાંથી ચોરી કરાયેલ હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે ખંભાળીયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

પોલીસે ચોરીના આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તેમજ મુદ્દામાલના મૂળ સ્ત્રોત અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. દેવભૂમિ દ્વારકાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષી, પીએસઆઈ બી.એમ. દેવમુરારી, પીએસઆઈ એમ.આર. સવસેટા, પીએસઆઈ એસ.વી. કાબંલિયા, એએસઆઈ ડાડુભાઈ જોગલ, કિશોરભાઈ નંદાણીયા, દીપકભાઈ રાવલિયા, હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર, ગોવિંદભાઈ કરમુર તથા વિશ્વદીપસિંહ જાડેજાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application