જામનગર: ગુલાબનગર પાસે પોસ્ટઓફીસના કર્મીને માર માર્યો

  • June 22, 2026 07:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ગુલાબનગર પાસે પોસ્ટઓફીસના કર્મીને માર માર્યો

ઇન્ડીકેટર આપ્યા વીના વળાંક લેવાના મામલે માથાકુટ : ટેમ્પોચાલક સામે ગુનો

જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં ટ્રાફિક બાબતે થયેલી બોલાચાલી બાદ ટેમ્પો ચાલકે એક યુવક પર હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાંદલનગર ટી.બી. હોસ્પિટલ નજીક રહેતા અને પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા વિરલભાઈ બાબુભાઈ હેરભા (ઉ.વ. ૨૪) તા. ૨૦ના રોજ બપોરે ધ્રોલથી પોતાના ઘરે મોટરસાયકલ પર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ગુલાબનગર સ્થિત ત્રિમંદિર પાસે તેમની આગળ જઈ રહેલા જી.જે.૧૦-ટી.વાય-૧૮૦૮ નંબરના ટેમ્પોના ચાલકે કોઈ ઇન્ડિકેટર આપ્યા વગર અચાનક ડાબી બાજુ વળાંક લેતા અકસ્માત સર્જાવાની સ્થિતિ ઊભી થઈ હતી.

આ અંગે વિરલભાઈએ ટેમ્પો ચાલકને ટ્રાફિક નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. જોકે આ વાતથી ઉશ્કેરાયેલા ટેમ્પો ચાલકે તેમને ગાળો આપી ઢીંકા-પાટુનો માર માર્યો હતો. ત્યારબાદ ટેમ્પોમાંથી લોખંડના પાના જેવું સાધન લઈ હુમલો કરતાં વિરલભાઈ પોતાના બચાવ માટે હાથ આગળ કરતા તેમના જમણા હાથની ચોથી આંગળીમાં ઇજા પહોંચી હતી. ઉપરાંત શરીરના અન્ય ભાગોમાં પણ મુઢ ઇજાઓ થઈ હતી.

બનાવ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપી ત્યાંથી નીકળી ગયો હતો. જતાં જતાં તેણે ફરીયાદીને આગળથી મારી સામે બોલચાલી કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.

ઇજાગ્રસ્ત વિરલભાઈએ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ મારામારી, ધમકી તથા હથિયારબંધી જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application