ખંભાળિયાના રામનાથ પુલ પર અધૂરા કામથી રોજિંદો ટ્રાફિક જામ

  • July 17, 2026 08:24 AM 

ખંભાળિયાના રામનાથ પુલ પર અધૂરા કામથી રોજિંદો ટ્રાફિક જામ

વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત લોકો પરેશાન: તંત્રની ઘોર બેદરકારી સામે જનતામાં ઉગ્ર રોષ

ખંભાળિયા શહેરમાં વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીનો ભોગ ફરી એકવાર નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. રામનાથ મહાદેવ મંદિર નજીક ધી નદી પર આવેલા રામનાથ પુલ પર રોડનું કામ લાંબા સમયથી ગોકળગાયની ગતિએ ચાલ્યા બાદ હવે અધવચ્ચે જ છોડી દેવામાં આવતા સ્થાનિકો માટે આ માર્ગ નરક સમાન બની ગયો છે. કોન્ટ્રાક્ટરની આ ગંભીર બેદરકારીના કારણે અહીં દૈનિક ધોરણે કલાકો સુધી ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, જેના લીધે વાહનચાલકો, રાહદારીઓ અને ખાસ કરીને શાળાએ જતા માસૂમ વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

આ મહત્વપૂર્ણ રોડનું કામ મહિનાઓથી ચાલી રહ્યું છે, પરંતુ તેને સમયસર પૂર્ણ કરવાને બદલે અધૂરું મૂકી દેવાતા આખો માર્ગ અત્યંત સાંકડો બની ગયો છે. પરિણામે, સામાન્ય દિવસોમાં પણ અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. તેમાં પણ ખાસ કરીને બપોરે અને સાંજે જ્યારે શાળાઓ છૂટે છે, ત્યારે પરિસ્થિતિ વધુ વણસે છે. સ્કૂલ બસ, રિક્ષા અને વાલીઓના વાહનોની અવરજવર વધતાં જ પુલ પર વાહનોની કિલોમીટરો લાંબી કતારો લાગી જાય છે. કલાકો સુધી વાહનોના પૈડાં થંભી જતાં શાળાએથી થાકેલા-પાકેલા ઘરે પરત ફરતા નાના બાળકો ભારે ગરમી અને ટ્રાફિક વચ્ચે ફસાયેલા રહે છે, જે તંત્ર માટે અત્યંત શરમજનક બાબત છે.
​​​​​​​
આ રોજિંદી માનસિક અને શારીરિક યાતનાથી કંટાળી ગયેલા સ્થાનિક રહીશો અને વાલીઓમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકોનો આરોપ છે કે જવાબદાર સત્તાધીશો આંખ આડા કાન કરીને બેઠા છે અને કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

સ્થાનિકોએ સંબંધિત તંત્ર અને ઉચ્ચ અધિકારીઓને આ મામલે કડક શબ્દોમાં ચેતવણી આપતા તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. જનતાની ઉગ્ર માંગ છે કે કાં તો આ અધૂરું કામ યુદ્ધના ધોરણે પૂરું કરવામાં આવે અથવા જ્યાં સુધી કામ ચાલુ છે ત્યાં સુધી ખાસ કરીને સ્કૂલના સમયે ટ્રાફિકના યોગ્ય આયોજન માટે તાત્કાલિક ધોરણે ટ્રાફિક પોલીસ અથવા હોમગાર્ડના જવાનોની તૈનાતી કરવામાં આવે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application