૨૭ વર્ષ જૂના લૂંટના ગુનામાં ફરાર આરોપી ખંભાળિયામાંથી ઝબ્બે

  • July 02, 2026 06:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૭ વર્ષ જૂના લૂંટના ગુનામાં ફરાર આરોપી ખંભાળિયામાંથી ઝબ્બે

જામનગર જિલ્લાના મોટી ખાવડી વિસ્તારમાં વર્ષો અગાઉ થયેલી લૂંટ તથા ધાડના ગુનામાં લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા આરોપીને દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ ૧૯૯૯ દરમિયાન જામનગર જિલ્લાના સિક્કા પાટિયા નજીક આવેલા એક પેટ્રોલ પંપમાં લૂંટનો બનાવ બન્યો હતો. આ ગુનામાં મધ્યપ્રદેશના ઝાંબુવા જિલ્લાના રહેવાસી વશનાભાઈ ભુરાભાઈ બિલવાલ સામે રૂપિયા ૮૫ હજારની લૂંટ કરી ફરાર થઈ જવાનો ગુનો નોંધાયો હતો.

દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી કે, આ ગુનાનો નાસતો ફરતો આરોપી પોતાના વતન મધ્યપ્રદેશથી ખંભાળિયા વિસ્તારમાં ખેત મજૂરી માટે આવ્યો છે અને હાલ ખંભાળિયા બસ સ્ટેશન નજીક હાજર છે.

બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી બસ સ્ટેશન બહારથી આરોપી વશનાભાઈ ભુરાભાઈ બિલવાલ (ઉ.વ. ૫૩)ને ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ વર્ષો અગાઉ સિક્કા પાટિયા નજીક પેટ્રોલ પંપમાં લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી.

પકડાયેલ આરોપી રૂપિયા ૫ હજારના ઇનામી વોન્ટેડ તરીકે જાહેર થયેલો હોવાથી વધુ કાર્યવાહી માટે તેને જામનગર પંચકોશી બી ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.

આ કામગીરી દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી.ના પી.આઈ. વી.એ. રાણા, પી.એસ.આઈ. ડી.એ. વાળા તથા એ.એસ.આઈ. મહંમદભાઈ બ્લોચ, ઈરફાનભાઈ ખીરા, સજુભા જાડેજા અને સુમતભાઈ ચાવડાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application