જામનગર : જામજોધપુરના ગીંગણીમાં જમીન સોદામાં ૯.૭૪ લાખની ઠગાઇ

  • May 07, 2026 09:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : જામજોધપુરના ગીંગણીમાં જમીન સોદામાં ૯.૭૪ લાખની ઠગાઇ

બંધ ખાતાનો ચેક બાઉન્સ થતાં મેઘપરના આરોપી સામે ફરિયાદ

જામજોધપુર તાલુકામાં જમીન સોદા સંબંધિત એક છેતરપીંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક નિવૃત્ત વ્યક્તિ પાસેથી ૯.૭૪ લાખની છેતરપીંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. દરમ્યાન મેઘપર ગામના શખ્સ સામે ફરીયાદ દાખલ કરવામાં આવતા તપાસ ચલાવવામાં આવી રહી છે.

ફરિયાદી સુભાષભાઈ વિરજીભાઈ વિરમગામા (ઉ.વ. ૬૧), રહે. રામવાડી શેરી નં. ૩, જામજોધપુરે પોલીસમાં નોંધાવેલી ફરીયાદ મુજબ, તેઓ પાસે ગીંગણી ગામે આશરે ૨૯ વીધા ખેતીની જમીન હતી. પૈસાની જરૂર પડતાં તેમણે જમીન વેચવાનો નિર્ણય લીધો હતો.

આ દરમિયાન ભાવેશભાઈ મારફતે લખમણ નાથાભાઈ કદાવલા (રહે. મેઘપર, તા. જામજોધપુર) સાથે જમીન સોદો નક્કી થયો હતો.

શરૂઆતમાં ૫ લાખ મેળવ્યા બાદ જમીન માપણીમાં ફેરફાર થતાં કુલ રકમમાં ઘટાડો થયો હતો. બાદમાં તા. ૦૮/૦૪/૨૦૨૫ ના રોજ વેચાણ દસ્તાવેજ સમયે આરોપી દ્વારા કુલ રકમમાંથી બાકી ૧૬,૮૬,૦૦૦ આપવા માટે ત્રણ ચેક આપવામાં આવ્યા હતા.

ત્રીજો ચેક ૯,૭૪,૦૦૦ નો હતો. ફરિયાદી દ્વારા તા. ૧૧/૦૪/૨૦૨૫ ના રોજ ચેક બેંકમાં રજૂ કરતા, ખાતામાં પૂરતા નાણા ન હોવાને કારણે ચેક બાઉન્સ થયો હતો. વધુમાં તપાસમાં જાણવા મળ્યું કે સંબંધિત ખાતું લાંબા સમયથી કે.વાય.સી. ન હોવાને કારણે બંધ હતું.

ફરિયાદી દ્વારા આરોપીનો સંપર્ક કરતાં આરોપી વારંવાર બહાના બનાવી સમય પસાર કરતો રહ્યો હતો. ત્યારબાદ રૂપિયા માંગવા ગયેલી ફરિયાદીની પત્ની અને પાડોશી મહિલાઓ સાથે આરોપીએ ગાળો બોલી મારામારી કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવ અંગે ફરિયાદી સુભાષભાઈ દ્વારા લખમણભાઈ કદાવલા વિરુદ્ધ  છેતરપીંડી-ઠગાઇ કર્યાની તેમજ ફરીયાદીના પત્ની બાકી રકમની ઉઘરાણી કરવા મેઘપર ગામે જતા આરોપીએ અપશબ્દો કહી મારવા માટે દોડયો હતો જે મતલબની ફરીયાદ દાખલ થતા પીઆઇ એન.બી. ચૌહાણ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application