દેવભૂમિ દ્વારકા: નાવદ્રા ગામે જમીન વિવાદમાં ફાયરીંગ : એકને ઇજા

  • July 16, 2026 08:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: નાવદ્રા ગામે જમીન વિવાદમાં ફાયરીંગ : એકને ઇજા

પગમાં ગોળી વાગતા સારવારમાં ખસેડાયા : પોલીસે ૧૪ શખ્સોને રાઉન્ડ અપ કર્યા : વિડીયો વાયરલ થતા ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા : ફરીયાદના આધારે તપાસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે જમીનના વિવાદને લઈ થયેલા ખાનગી ફાયરિંગના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિને પગના ભાગે ગોળી વાગતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ નાવદ્રા ગામે લાંબા સમયથી ચાલી રહેલા જમીનના વિવાદ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો. આ દરમિયાન લખમણભાઈ કરમુર નામના વ્યક્તિને નિશાન બનાવી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ગોળી વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને સ્થાનિકોની મદદથી તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

વાયરલ થયેલા વીડિયોમાં એક ચોક્કસ વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરાયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે સમગ્ર ઘટનાની સત્તાવાર પુષ્ટિ અને હકીકત જાણવા પોલીસ દ્વારા વિવિધ પાસાઓ પર તપાસ ચલાવવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારનો કબ્જો સંભાળ્યો હતો.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ઘટનામાં સંડોવણીની આશંકા ધરાવતા ૧૪ જેટલા શખ્સોને રાઉન્ડ અપ કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર, ઘટનાનું ચોક્કસ કારણ તેમજ તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
​​​​​​​
સૂત્રોના જણાવ્યા મુજબ ઘટનાકાળ દરમિયાન અંદાજે પાંચ જેટલા રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. દિવસના સમયે જાહેરમાં બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ભય અને અશાંતિનો માહોલ સર્જ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરાઈ છે અને તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application