ખંભાળિયાના સેવાભાવી તબીબ ડો. કંડોરીયાનો નશ્ર્વરદેહ પંચમહાભૂતમાં વિલીન

  • July 27, 2026 08:18 AM 

ખંભાળિયાના સેવાભાવી તબીબ ડો. કંડોરીયાનો નશ્ર્વરદેહ પંચમહાભૂતમાં વિલીન

સ્મશાન યાત્રામાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મુળુભાઇ સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા: બુધવારે ભાડથર અને ગુરૂવારે ખંભાળિયામાં બેસણું

ખંભાળિયાના જાણીતા શિક્ષણવિદ અને સેવાભાવી તબીબ ડો. પી.વી. કંડોરીયાનું ગત તા. ૨૪ ના રોજ કેદારનાથ ધામમાં અકાળે અવસાન થતાં ગઈકાલે રવિવારે બપોરે યોજાયેલી તેમની સ્મશાન યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. 

ખંભાળિયામાં તબીબી ક્ષેત્રે પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય અને સિંચાઈ સમિતિના ચેરમેન એવા ડો. પી.વી કંડોરીયા કે જેઓ ગત સપ્તાહમાં હરિદ્વાર, કેદારનાથ જેવા તીર્થ સ્થળોએ પરિવાર તેમજ મિત્ર વર્તુળ સાથે ગયા હતા. જ્યાં શુક્રવાર તા. ૨૪ ના રોજ તેમને એકાએક હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું અકાળે નિધન થયું હતું. આ પછી દાર્જિલિંગ ખાતેથી જરૂરી વિધિ બાદ તેમના નશ્વર દેહને વિમાન માર્ગે ગઈકાલે રવિવારે અમદાવાદથી ખંભાળિયા લાવવામાં આવ્યો હતો. અત્રે રામનાથ સોસાયટી ખાતે આવેલા તેમના નિવાસસ્થાન નજીકના ગણાત્રા હોલ ખાતે તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. અહીં ખૂબ મોટી સંખ્યામાં પરિવારજનો સાથે નગરજનો વિગેરેએ તેમના અંતિમ દર્શન કર્યા હતા.

આ પછી તેમની અંતિમયાત્રા યોજાઇ હતી. જેમાં હાલારના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મુળુભાઈ બેરા સહિત હજારોની સંખ્યામાં રાજકીય આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો તેમજ મિત્રો સાથે શહેર તથા બહારગામથી પણ ખૂબ મોટી સંખ્યામાં તબીબો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના અંતિમ સંસ્કાર દરમિયાન તેમને સજળ નયને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

પ્રથમ હરોળના સેવાભાવી રાજકારણી અને અનેક ગરીબ દર્દીઓ માટે મસિહા સમાન ડો. પી.વી. કંડોરીયાની ખોટ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાને કદી નહીં પુરાય તેવો સૂર પણ સાંભળવા મળ્યો હતો. તેમનું બેસણું બુધવાર તા. ૨૯ ના રોજ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે આવેલી આહીર સમાજની વાડી ખાતે તેમજ ગુરૂવાર તા. ૩૦ ના રોજ ખંભાળિયામાં જડેશ્વર રોડ પર આવેલી આહિર સમાજની વાડી ખાતે સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application