ખંભાળિયામાં કમ્મરતોડ સ્પીડ બ્રેકરો દૂર કરવા માંગ

  • July 03, 2026 06:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં કમ્મરતોડ સ્પીડ બ્રેકરો દૂર કરવા માંગ

જિલ્લા કલેક્ટર અને ચીફ ઓફિસરને રજૂઆત 

ખંભાળિયા શહેરના જાહેર માર્ગો પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા સ્પીડ બ્રેકરો દૂર કરવા તેમજ ભવિષ્યમાં આવા અનધિકૃત બાંધકામો અટકાવવા અહીંના જાગૃત નાગરિક દિલીપસિંહ ટી. ચાવડાએ જિલ્લા કલેક્ટર તથા ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવાયું છે કે શહેરના અનેક જાહેર માર્ગો પર કેટલાક લોકોએ પોતાના ઘર, દુકાન અથવા મિલકતની સામે પોતાની મરજી મુજબ સ્પીડ બ્રેકરો બનાવી દીધા છે. એક જ માર્ગ પર ઢંગધડા વગરના અનેક સ્પીડ બ્રેકરો હોવાના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આવા ગેરકાયદેસર સ્પીડ બ્રેકરોને કારણે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની ઇમરજન્સી સેવાઓને અવરોધ સર્જાય છે, દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ થાય છે, સામાન્ય નાગરિકોને સમયસર પોતાના સ્થળે પહોંચવામાં મુશ્કેલી પડે છે તેમજ વાહનોને નુકસાન અને અકસ્માતનું જોખમ પણ વધે છે. આ રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે જ્યાં આવા કમ્મરતોડ સ્પીડ બ્રેકરો બનાવવામાં આવ્યા છે, ત્યાં નજીકમાં કોઈ હોસ્પિટલ, શાળા, બાલમંદિર અથવા નિયમો મુજબ સ્પીડ બ્રેકરની આવશ્યકતા ધરાવતું સંવેદનશીલ સ્થળ નથી.
​​​​​​​
શહેરના તમામ જાહેર માર્ગોનું તાત્કાલિક સર્વેક્ષણ કરાવી નિયમો વિરુદ્ધ બનાવવામાં આવેલા તમામ ગેરકાયદેસર સ્પીડ બ્રેકરો દૂર કરવા તેમજ ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ જાહેર માર્ગ પર મનસ્વી રીતે સ્પીડ બ્રેકર ન બનાવી શકે તે માટે કડક કાર્યવાહી કરવાની માંગ આ પત્રમાં કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application