ચાંદીપુરા વાયરસનો નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ દ્વારકાની બાળકીનું મોત 

  • July 25, 2026 06:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાંદીપુરા વાયરસનો નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ દ્વારકાની બાળકીનું મોત 

જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બે બાળકની તબિયતમાં સુધારો 

મૃત્યુઆંક ચાર પર પહોંચ્યો: હજુ બે બાળકના રિપોર્ટ બાકી  

હાલારમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ વચ્ચે નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ સારવારમાં રહેલી દ્વારકાની બાળકી કે જેની હાલત નાજુક હોય તેનું મૃત્યુ નિપજયું છે. આથી મૃત્યુઆંક ચાર પર પહોંચ્યો છે. જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બે બાળકની તબિયતમાં સુધારો થયો છે. જો કે, હજુ બે બાળકના રિપોર્ટ બાકી હોવાનું તબીબોએ જણાવ્યું છે. 

હાલારમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના ૬ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં જામનગર શહેર-જિલ્લાના ૩ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩ બાળકોનો સમાવેશ થાય છે. આ તમામ બાળકોને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ દરમ્યાન સૌ પ્રથમ શહેરના રવિપાર્કમાં રહેતી ૨ વર્ષની બાળકીનું રિપોર્ટ આવે તે પૂર્વે મૃત્યુ નિપજયું હતું. ત્યારબાદ લાંબા ગામના ૨ વર્ષના બાળક અને કલ્યાણપુરના ૯ મહીનાના બાળકનું મૃત્યુ નિપજયું હતું. જો કે, મૃત્યુ પામેલા જામનગર અને લાંબા ગામના બાળકનો તથા સારવાર લઇ રહેલા જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રહેતી બાળકીનો મળી કુલ ચાર બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જયારે મૃત્યુ પામેલા કલ્યાણપુરના ૯ મહીનાના તથા સારવાર લઇ રહેલા વસઇ-આમરાના બાળકનો રિપોર્ટ હજુ બાકી છે.

​​​​​​​ગઇકાલે જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી દ્વારકાની ૬ વર્ષની બાળકી કે જેની હાલત ગંભીર હોય તેણીનું મૃત્યુ નિપજયું હોવાનું તબીબોએ જણાવ્યું છે.  આથી મૃત્યુઆંક ૪ પર પહોંચ્યો છે. બંને જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે આવેલા કેસનો આંકડો ૬ પર પહોંચ્યો છે. જેમાંથી ૪ બાળકના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે અને બે બાળકોના રિપોર્ટ બાકી છે. હાલમાં જી.જી.હોસ્પિટલમાં વસઇ-આમરાના ૨ વર્ષના અને જામનગર દિગ્જામ સર્કલ પાસે રહેતા ૧૧ મહીનાનું બાળક સારવાર હેઠળ છે અને બંનેની તબિયતમાં  સુધારો થયાનું તબીબોએ ઉમેર્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application