ખંભાળીયામાં પ્રોહીબિશનનો રીઢો ગુનેગાર એલસીબીના સકંજામાં

  • June 29, 2026 08:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયામાં પ્રોહીબિશનનો રીઢો ગુનેગાર એલસીબીના સકંજામાં

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા અને તેમની ટીમ પેટ્રોલિંગ અને વર્કઆઉટમાં હતી. 

તે દરમિયાન નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ વખતે એ.એસ.આઇ. જેસલસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ પીંડારીયા અને ખીમાણંદભાઇ આંબલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા-ફરતા આરોપી મોહિત ઉર્ફે ઉકેડી કિશોરભાઇ કરશનભાઇ આંબલીયા (રહે. યાદવનગર શેરી નંબર-૨, જામનગર, મૂળ રહે. મેઘપર ટીટોડી, તા. કલ્યાણપુર)ને ખંભાળીયા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. 

પી.એસ.આઇ. બી.એમ. દેવમુરારીએ આરોપીનો કબ્જો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને ખંભાળીયા પોલીસ સ્ટેશન સોંપી આપ્યો છે. પકડાયેલા આરોપી મોહિત ઉર્ફે ઉકેડીનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ લાંબો છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રોહીબિશનના ૪ ગુના ઉપરાંત મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન અને કચ્છ પૂર્વ-ગાંધીધામના લાકડીયા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન અને બી.એન.એસ. કલમો હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે. 
​​​​​​​
આ સિવાય આરોપી સામે જામનગર સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. તેમજ પોક્સો કલમ હેઠળ દુષ્કર્મ, એટ્રોસિટી એક્ટ, જી.પી. એક્ટ અને મારામારી સહિતના ગંભીર ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂક્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application