જામનગર: લાલપુરના ગલા ગામે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સ્ટાફની સરાહનીય કામગીરી

  • July 24, 2026 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: લાલપુરના ગલા ગામે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સ્ટાફની સરાહનીય કામગીરી

ખાટલામાં ૮૦૦ મીટર ચાલીને સગર્ભા અને નવજાત શિશુને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલા ગામે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સ્ટાફની સરાહનીય કામગીરી સામે આવી છે. ગલા ગામના વાડી વિસ્તારમાં ૨૧ વર્ષીય રાધાબેન સુરેશભાઈ વાજેલીયા નામના સગર્ભા મહિલાને અચાનક ઉપડેલી પ્રસવ પીડા દરમિયાન ૧૦૮ ની ટીમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોઈ એમ્બ્યુલન્સ નંબર જીજે ૧૮ જીસી ૦૧૬૦ ના ઈએમટી સુરક્ષાબા ઝાલા અને પાયલટ ધવલભાઈ કંજારીયા તુરંત પીપરતોડાથી ગલા ગામના વાડી વિસ્તાર તરફ રવાના થયા હતા.

પરંતુ વાડી વિસ્તારનો રસ્તો અત્યંત ખરાબ અને કાચો હોવાથી એમ્બ્યુલન્સ અડધે સુધી જ જઈ શકી હતી અને આગળ ખેતર તરફ વાહન જઈ શકે તેવી સ્થિતિ નહોતી. દરમિયાન મહિલાની સ્થિતિ વધુ નાજુક બનતા ૧૦૮ ના ઈએમટી સુરક્ષાબા ઝાલાએ સમય સૂચકતા વાપરીને સ્થળ પર જ (સીન ઉપર) સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી. ડિલિવરી બાદ માતા અને નવજાત બાળક બંને સુરક્ષિત હોય, તેમને આગળની સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવા જરૂરી હતા.
​​​​​​​
જોકે વાહન અંદર આવી શકે તેમ ન હોવાથી, ૧૦૮ ની ટીમે પરિજનોની મદદથી માતા અને નવજાત શિશુને ખાટલામાં બેસાડીને આશરે ૮૦૦ મીટર જેટલું અંતર પગપાળા ચાલીને બહાર ઉભેલી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા. ત્યારબાદ બંનેને તાત્કાલિક સલામત રીતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વિકટ પરિસ્થિતિમાં પણ હિંમત અને નિષ્ઠા દાખવીને માતા અને બાળકીનો જીવ બચાવવા બદલ ૧૦૮ ની ટીમની સ્થાનિકો દ્વારા ભારે સરાહના કરવામાં આવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application