ભાજપના પ્રદેશ પ્રમુખ વિશ્ર્વકર્મા જામનગરમાં: ત્રણ સ્થળે આપી હાજરી

  • July 10, 2026 04:47 AM 

ભાજપના પ્રદેશ પ્રમુખ વિશ્ર્વકર્મા જામનગરમાં: ત્રણ સ્થળે આપી હાજરી

શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીની સુપુત્રીના લગ્નમાં રહ્યા ઉપસ્થિત: આર્યુ. યુનિવર્સિટીની મુલાકાત લીધા બાદ સાંસદ પુનમબેન માડમના ઘરે હાજરી આપીને પરત રવાના થશે

ભાજપનાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા અને કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આજે જામનગરમાં આવ્યા છે, લગ્ન સમારંભમાં હાજરી આપીને આયુર્વેદ યુનિવર્સિટી ખાતે જવાના છે અને ત્યાંથી સાંસદના ઘરે જઇને પરત જવા રવાના થશે તેમ ભાજપના સુત્રોમાંથી જાણવા મળ્યું છે. એમના કાર્યક્રમની કોઇ સતાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.

શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીની સુપુત્રીનાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે પ્રદેશ પ્રમુખ આજે બપોરે ૧૨.૪૫ કલાક બાદ ઓસવાળ સેન્ટર ખાતે આવી પહોંચ્યા હતા અને કોઠારી પરિવારને પુત્રી વિદાયના પ્રસંગની શુભકામના પાઠવી હતી. 

આમ તો કાર્યક્રમ અંગે કોઇ વિગતો અપાઇ નથી પરંતુ અંતરંગ વર્તુળે જણાવ્યું છે કે લગ્ન સમારંભમાં હાજરી આપ્યા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની મુલાકાતે જવાના છે અને ત્યારબાદ સાંસદ પુનમબેન માડમના ઘરે જશે, એમના કાર્યક્રમને લઇને શહેર ભાજપ તરફથી કોઇ વિગતો જાહેર કરાઇ નથી.

અત્રે નોંધનીય છે કે હાલમાં શહેર ભાજપનું ઘર સળગી રહ્યું છે, તાજેતરમાં જ પાંચ માસ પહેલા શહેર ભાજપનાં મહામંત્રી તરીકે નિમાયેલા ભાવેશ ઠુમ્મરને એકાએક પદ પરથી હટાવી દઇને એમના સ્થાને ભાવેશ કાનાણીની નિમણુંક કરવામાં આવી છે, હજુ ગઇકાલ સુધી ભાવેશ ઠુમ્મર પાસેથી રાજીનામું માંગવામાં આવ્યું નથી.

સંભવત: લગ્ન સમારંભ સ્થળે જતા પહેલા તેઓ કાર્યક્રમ સ્થળ બહાર સંભવત: પત્રકારો સાથે ઔપચારિક વાતચીત કરે એવુ લાગે છે અને કદાચ મીડીયા તરફથી શહેર ભાજપની તાજેતરમાં થયેલી ઉથલપાથલ સંબંધે પ્રદેશ પ્રમુખનું વલણ કદાચ લેવામાં આવી શકે.
​​​​​​​
શહેર ભાજપની સખળ-ડખળ સંબંધે ભાજપના પ્રદેશ પ્રમુખ કાંઇ બોલે છે કે કેમ એ બાબત બપોર પછી સ્પષ્ટ થઇ જશે આમ તો જગદીશભાઇ વિશ્ર્વકર્માના જામનગરના આજના ત્રણે ત્રણ સંભવિત કાર્યક્રમો ખાનગી હોવાથી પક્ષ તરફથી કોઇ વિગતો આપવામાં આવી નથી.

જો કે ભાજપના પ્રદેશ પ્રમુખ જામનગરના મહેમાન બન્યા હોવાથી સંગઠન પાંખ અને ભાજપનાં વર્તુળોમાં થનગનાટ ફેલાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application