આંતરરાષ્ટ્રીય જળસીમામાં ચાલી રહેલો ભૂરાજકીય તણાવ હવે ગુજરાતના માછીમારો અને સાગરખેડૂઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ગત 7મી મેના રોજ સ્ટ્રેટ ઓફ હોરમુઝમાં ઈરાન અને અમેરિકાની નેવી વચ્ચે થયેલા ભીષણ ગોળીબારની ઝપેટમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું એક માલવાહક વહાણ આવી ગયું હતું. આ દુર્ઘટનામાં વહાણ ડૂબી જતાં એક ખલાસીનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 17 ખલાસીઓનો ચમત્કારિક બચાવ થયો છે.
ક્રોસ ફાયરિંગમાં ફસાયું વહાણ
સલાયાનું માલવાહક વહાણ ગત 7 મેના રોજ દુબઈથી જનરલ કાર્ગો ભરીને યમનના મુકાલા બંદર તરફ જઈ રહ્યું હતું. આ વહાણ પર ટંડેલ સહિત કુલ 18 ખલાસીઓ સવાર હતા. વહેલી સવારે આશરે 1:00 વાગ્યે જ્યારે વહાણ હોરમુઝની સામુદ્રધુનીમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક ઈરાની અને યુએસ નેવી વચ્ચે સામસામે ભીષણ ફાયરિંગ શરૂ થયું હતું. કમનસીબે, આ ક્રોસ ફાયરિંગની બરાબર મધ્યમાં ગુજરાતનું આ વહાણ આવી ગયું હતું.
ગોળીબારને કારણે વહાણના માળખાને ગંભીર નુકસાન થયું હતું અને તેમાં ઝડપથી પાણી ભરાવા લાગ્યું હતું. આ અફરાતફરી અને જીવ બચાવવાની ભાગદોડ વચ્ચે એન્જિન રૂમમાં ફરજ બજાવતા સલાયાના ખલાસી અલ્તાફ તાલબ કેર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું.
17 ખલાસીઓનો જીવ બચ્યો, દુબઈ પહોંચ્યા
વહાણ દરિયામાં ગરકાવ થઈ રહ્યું હતું ત્યારે જ અન્ય ખલાસીઓએ જીવ બચાવવા માટે મદદની પોકાર કરી હતી. સદનસીબે, તે જ સમયે નજીકથી પસાર થઈ રહેલા અન્ય એક વહાણ 'MSV પ્રેમ સાગર-I' ના ચાલકોની નજર આ ડૂબી રહેલા વહાણ પર પડી હતી. તેમણે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી 17 ખલાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. બચાવવામાં આવેલા તમામ ખલાસીઓ 8 મેના રોજ મોડી સાંજે સુરક્ષિત રીતે દુબઈ પોર્ટ પર પહોંચ્યા છે, જ્યાં તેમણે આ ભયાનક અનુભવનો વિડીયો પણ જાહેર કર્યો છે.
એસોસિયેશનની રજૂઆત અને મદદની માંગ
ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ આ સમગ્ર ઘટના અંગે દિવ્ય ભાસ્કરને માહિતી આપી હતી. તેમણે તાત્કાલિક ધોરણે દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસને ઈમેલ કરીને ઘટનાની ગંભીરતાથી માહિતગાર કર્યા છે. એસોસિયેશન દ્વારા નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે:
મૃતક ખલાસી અલ્તાફ તાલબ કેરના પાર્થિવ દેહને વહેલી તકે ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે.
દુબઈમાં રહેલા અન્ય 17 ખલાસીઓને પૂરતી તબીબી સહાય અને રહેવા-જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે.
તમામ બચેલા ખલાસીઓને સુરક્ષિત રીતે તેમના વતન સલાયા પરત લાવવા માટે વિઝા અને મુસાફરીની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે.
યુદ્ધ જેવી સ્થિતિમાં નિર્દોષ સાગરખેડૂઓના સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય રજૂઆત કરવામાં આવે.
આ ઘટનાને પગલે સલાયા પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ગરીબ પરિવારના કમાઉ દીકરાના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે, ત્યારે હવે સૌની નજર ભારત સરકાર અને વિદેશ મંત્રાલયની કામગીરી પર ટકેલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
