ગુજરાતમાં ચાર મોટી મહાનગરપાલિકાઓની કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાનો એક ધમકીભર્યો ઈ-મેઇલ મળતાં જ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી. વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને મેયરના સત્તાવાર ઈ-મેઇલ આઈડી પર આ આતંકી ધમકી મોકલવામાં આવી હતી. મેઇલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક જે-તે કચેરીઓ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર બિલ્ડિંગો ખાલી કરાવીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ ધમકીભર્યા ઈ-મેઇલમાં આતંકવાદી સંગઠન 'ખાલિસ્તાન નેશનલ આર્મી'નું નામ સામે આવ્યું છે. મેઇલમાં કેન્દ્રીય ગૃહમંત્રી (એચએમઓ) અમિત શાહની ઓફિસને પણ નિશાન બનાવી બપોરે ૩:૧૧ વાગ્યે બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરના મોતના બદલાનો ઉલ્લેખ કરતા મેઇલમાં અત્યંત આપત્તિજનક અને ધમકીભરી ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે, ‘પંજાબી નિશાના અમિત શાહ, હિન્દુ અત્તવાદી, શહીદ નિજ્જર દા બદલા, અમિત શાહનું ધમાકા વીચ ટુકડે ટુકડે કરકે’. આ પ્રકારના મેઇલને કારણે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.
બીજી તરફ, જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં આજે સવારે ૧૦ વાગ્યાની આસપાસ ધમકીભર્યો મેઇલ મળતાં જ કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને પોતાના કામ અર્થે આવેલા સામાન્ય નાગરિકોમાં ગભરાટ અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. પોલીસે તાત્કાલિક આખી બિલ્ડિંગ ખાલી કરાવીને મોરચો સંભાળી લીધો હતો. વડોદરા અને ભાવનગરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી, જ્યાં મનપાના તમામ વિભાગો, પાર્કિંગ એરિયા અને આસપાસના વિસ્તારોને ઝીણવટપૂર્વક તપાસવામાં આવ્યા હતા.
વડોદરામાં નવરચના સ્કૂલને બોમ્બની ધમકી
મહાનગરપાલિકાઓ ઉપરાંત વડોદરાના સમા વિસ્તારમાં આવેલી જાણીતી નવરચના સ્કૂલને પણ આ જ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વાલીઓ ભારે ચિંતા અને ફફડાટમાં મૂકાયા હતા. ધમકીની જાણ થતાં જ સમા પોલીસ, બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક શાળા કેમ્પસમાં પહોંચી ગઈ હતી અને ક્લાસરૂમ તેમજ સમગ્ર પરિસરમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે, સદનસીબે ધમકી મળી તે દરમિયાન જ શાળા છૂટવાનો સમય હોવાથી બાળકોને સુરક્ષિત રીતે બહાર લાવી વાલીઓને સોંપવામાં આવ્યા હતા, જેથી વાલીઓએ મોટી હાશકારો અનુભવ્યો હતો.
સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા તપાસ
આ સમગ્ર મામલે સુરત પોલીસની સાયબર ક્રાઇમ સેલની ટીમ અને અન્ય એજન્સીઓ એક્ટિવ થઈ ગઈ છે અને આ ઈ-મેઇલ ક્યાંથી અને કયા આઈપી એડ્રેસ પરથી મોકલવામાં આવ્યો હતો તેની ટેકનિકલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ કોઈ અસામાજિક તત્વો અથવા આતંકી સંગઠનો દ્વારા ભયનો માહોલ ઊભો કરવાનું મોટું ષડયંત્ર હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસે તમામ સ્થળોએ પરિસ્થિતિ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે અને સદનસીબે ક્યાંયથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. વહીવટી તંત્ર અને પોલીસે નાગરિકોને ગભરાયા વગર કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા માટે ખાસ અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
