BREAKING NEWS

જામનગર શહેરમાં વારંવાર વીજ ધાંધિયાથી લોકો પરેશાન: પ્રી-મોન્સુન કામગીરીના ધજાગરા ઉડયા

  • July 27, 2026 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં વારંવાર વીજ ધાંધિયાથી લોકો પરેશાન: પ્રી-મોન્સુન કામગીરીના ધજાગરા ઉડયા

જાન્યુઆરીથી શરૂ થયેલી પ્રી-મોન્સુન કામગીરી શું હજુ સુધી પુરી થઇ નથી: પાણાખાણ, નંદનવન, દિ.પ્લોટ, પટેલ કોલોની, રાજપાર્ક, રાધાકૃષ્ણ પાર્ક, નવાગામ ઘેડ અને ગુલાબનગર વિસ્તારમાં અવારનવાર લાઇટો ગુલ થઇ જવાથી વીજ ઉપકરણને ભારે નુકસાન 

જામનગર શહેરમાં છ મહિના પહેલા પીજીવીસીએલની પ્રી-મોન્સુનની કામગીરી  શરૂ થઇ હતી, ચોમાસુ આવી ગયુ છે, થોડા ઝાપટામાં જ શહેરના કેટલાક વિસ્તારોમાં વીજળી રાણી ગુલ થઇ જાય છે. તો લોકોમાં પ્રશ્ર્ન થાય છે કે પ્રી-મોન્સુનની કામગીરી કેવી રીતે કરવામાં આવી છે, અવાર નવાર વીજ ધાંધિયાથી કેટલાક વિસ્તારોમાં વીજ ઉપકરણોને ભારે નુકસાન થયુ છે, અમુક વિસ્તારમાં તો અવાર નવાર લાઇટો બંધ થઇ જાય છે, શહેરના પાણાખાણ વિસ્તારમાં વીજળી ગુલ થવાના કારણે લોકોએ બહેનોને સાથે રાખીને પીજીવીસીએલની કચેરીને ઘેરાવ કર્યો હતો. અનેક વિસ્તારોમાંથી લાઇટો ગુલ થવાની ફરિયાદો આવી રહી છે ત્યારે પીજીવીસીએલના અધિકારીઓએ હવે આ પ્રશ્ર્ને ગંભીર થઇને મામલો શાંત થાય તેવા પ્રયાસ કરવા જોઇએ.

જામનગર શહેરમાં ખાસ કરીને ટાઉનહોલ વિસ્તારમાં અવારનવાર વીજળી રાણી ગુલ થઇ જાય છે, કયારેક વાયર તૂટી પડે છે, કયારેક ફેઇસ બંધ થઇ જાય છે  અને કાં તો ટીસી ખરાબ થઇ જાય છે, અવાર નવાર લાઇટો ગુલ થઇ જવાથી અધિકારીઓને ફરિયાદ કરતા હોવા છતાં પરિણામ મળતું નથી, તેવી ફરિયાદ લોકો કરી રહ્યા છે. 

તાજેતરમાં પાણાખાણ વિસ્તારમાં અવાર નવાર લાઇટ ગુલ થઇ જવાથી આ લોકોનાં વિસ્તારમાં બહેનોને સાથે રાખીને રસ્તા રોકો આંદોલન કરીને પીજીવીસીએલની કચેરીઓમાં અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવુ તો અવારનવાર બને છે, અત્યાર સુધીમાં જામનગરમાં માત્ર ત્રણેક ઇંચ જેટલો વરસાદ પડયો છે જયારે જયારે થોડુ ઝાપટુ આવે એટલે વીજળી રાણી રીસાય જાય છે. આવુ અવારનવાર બને છે, પરંતુ તે સમસ્યા ઉકેલાતી નથી.

ખંભાળીયા ગેઇટ અને દિ.પ્લોટમાં તો વીજળીના કાયમી ધાંધીયા જોવા મળે છે. લોકો કહે છે કે કેટલી વાર ફરીયાદ કરવી, તેવો પ્રશ્ર્ન લોકો કરી રહ્યા છે, અવાર નવાર ટીસી બળી જવું, વાયર તૂટી જવાના કિસ્સા બનતા જાય છે, તો પ્રી-મોન્સુન કામગીરી હેઠળ શા માટે વાયરો અને સાધનો બદલાવવામાં આવ્યા નથી. પીજીવીસીએલના એમડીને પણ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કોઇ સમસ્યા ઉકેલાઇ નથી.

શહેરના પટેલ કોલોની, સેતાવાડ, બેડી, ધરારનગર, જોડીયા ભુંગા, પંચવટી, ગાંધીનગર, નવાગામ ઘેડ, અને ગુલાબનગર વિસ્તારના લોકોની અવારનવાર લાઇટ ચાલીજવાની ફરિયાદો પેન્ડીંગ રહે છે. કેટલીક વખત તો ખરા સમયે લાઇટ ચાલી જવાથી લોકો ગરમીથી ભારે પરેશાન થઇ જાય છે. લો વોલ્ટેજના કારણે વીજ ઉપકરણ પર ભારે નુકશાન થયાની ચારેકોરથી ફરિયાદ છે, કલાકો સુધી લાઇટ આવતી નથી, ત્યારે ચોમાસાનુ બહાનુ કાઢીને પીજીવીસીએલની જે તે વિસ્તારની કચેરીના અધિકારીઓ ફરીયાદ માટેનો ફોન નીચે મુકી દે છે અને મોબાઇલને પણ સ્વીચ ઓફ કરી દેવાની ફરિયાદો ચારેકોરથી ઉઠી છે. 

પીજીવીસીએલની કામગીરી ખાડે ગઇ છે, તેવો આક્ષેપ લોકો કરી રહ્યા છે, લો વોલ્ટેજની ફરિયાદ, લાઇટ ગુલ થવાની ફરિયાદમાં દિનપ્રતિદીન ઘટાડો થવાને બદલે વધારો થઇ રહ્યો છે. તે ખુબ જ ચિંતાનો વિષય છે. હજુ તો બે મહિના ચોમાસુ બાકી છે ત્યારે આ કામગીરી ઝડપી બનાવવામાં આવે તેમ લોકો કહી રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application