જામનગર : ગંદકીથી તોબા, ફરિયાદો કરી થાકેલા ધણશેરીના વેપારીઓની મતદાન અને વેરા બહીષ્કારની ચિમકી..
જામનગર : ગંદકીથી તોબા, ફરિયાદો કરી થાકેલા ધણશેરીના વેપારીઓની મતદાન અને વેરા બહીષ્કારની ચિમકી..
February 14, 2026 11:53 AM
જામનગરમાં ત્રણબતી વિસ્તારમાં આવેલી ધણશેરી છેલ્લાં ઘણાં સમયથી ગંદકીથી ખદબદી રહી હોય વેપારીઓ અને દુકાનદારો ત્રાહીમામ પોકારી ગયા છે. આટલું જ નહીં આ સળગતી સમસ્યા અંગે મહાનગરપાલીકાના સંબધિત વિભાગ અને અધિકારીઓને ફરિયાદો પણ કરી છે.
પરંતુ ગંદકીની ફરિયાદો બહેરા કાને અથડાતી હોય કોઇ નિરાકરણ ન આવતા વેપારીઓ અને દુકાનદારોને હીજરત કરવી પડે તે સ્થિતિ પ્રર્વતી રહી છે. ત્યારે એસી ઓફીસમાં બેસીને કાગળ પર વિકાસકાર્યોના દીવા સ્વપ્નો દેખાડતા, સરકારી વાહનોમાં ફરતા અને સ્વચ્છ જામનગરના દાવા કરતા મહાનગરપાલીકાના સતાધીશો અને અધિકારીઓ ધણશેરીની મુલાકાત લઇ નીરીક્ષણ કરે અને ગંદકી વચ્ચે દુકાનો તથા ઓફીસમાં બેસે તો ખબર પડે કેવી યાતનાનો સામનો વેપારીઓ અને દુકાનદારો કરી રહ્યા છે.
ધણશેરીમાં ગંદકીથી તોબા અને ફરિયાદો કરી થાકેલા વેપારીઓ અને દુકાનદારોેએ આગામી ચૂંટણીમાં મતદાનનો અને મનપાના વેરા ભરવાનો બહીષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે.