BREAKING NEWS

જુલાઈ મહિનામાં પણ ઓછો વરસાદ પડશે: હવામાન વિભાગની કાળવાણી

  • July 01, 2026 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂન મહિનામાં બહુ જ ઓછો વરસાદ પડયો છે, દુષ્કાળના ભણકારા વચ્ચે હવે જુલાઇ મહિનાને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. જુલાઇ મહિનામાં વરસાદ સામાન્ય કરતા ઓછો પડવાની ભીતિ છે. હવામાન વિભાગે કહ્યું છે કે જુલાઇ મહિનામાં લોંગ રેન્જ પીરિયડ સરેરાશ ૯૪ ટકાથી ઓછો વરસાદ થઇ શકે છે. જૂન મહિનામાં આશરે ૪૦ ટકા વરસાદની ઘટ જોવા મળી હતી જોકે જુલાઇ મહિનામાં આટલી મોટી ઘટ નહીં જોવા મળે તેવુ અનુમાન છે. સામાન્ય રીતે જુલાઇમાં ચોમાસાનો સૌથી વધુ વરસાદ નોંધાતો હોય છે પરંતુ આ સીઝનમાં એવુ નહીં થાય જેને પગલે પાણીની અછતની ભીતિ પણ છે.


પત્રકારો સાથે વાતચીત દરમિયાન હવામાન વિભાગના ડીજી મૃત્યુંજય મોહાપાત્રાએ કહ્યું હતું કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશના વિવિધ હિસ્સાઓમાં આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસુ વધુ આગળ વધી શકે છે. આ જ સમયગાળા દરમિયાન સમગ્ર દમણ અને દીવ, જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પંજાબ અને રાજસ્થાનના અન્ય કેટલાક હિસ્સામાં પણ ચોમાસુ ફરી વળશે. જોકે કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં જુલાઇ મહિનામાં પણ જૂન જેવી હાલત જોવા મળી શકે છે. બિહાર, મધ્ય પ્રદેશ, દિલ્હી, વગેરે કેટલાક રાજ્યોના અમુક હિસ્સાઓમાં જુલાઇમાં પણ પુરતો વરસાદ નહીં પડે. જેને કારણે કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં કોઇ ફેરફાર થવાની શક્યતાઓ નથી.

સામાન્ય રીતે જુલાઇ મહિનામાં જ સરેરાશ સૌથી વધુ વરસાદ પડતો હોય છે, જોકે આ ચોમાસામાં જુલાઇમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની શક્યતાઓએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ જે વિસ્તારોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની શક્યતાઓ છે ત્યાં વોટરની અછત ઉભી થઇ શકે છે. બીજી તરફ ઝારખંડમાં વીજળી પડવાથી બે મહિલાઓ સહિત સાત લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં એક આઠ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. રાંચીમાં એક ખેડૂત જમીન ખેડી રહ્યો હતો ત્યારે વીજળી પડતા મોત થયું હતું. બોકારોમાં એક ૧૯ વર્ષીય યુવક એક વૃક્ષ નીચે શરણ લઇ રહ્યો હતો ત્યારે તેના પર વીજળી પડી હતી. કેટલાક પશુઓ ચરાવતા તો કેટલાક અન્ય કોઇ કામ દરમિયાન વીજળી પડવાથી મોતને ભેટયા હતા. જ્યારે આસામમાં હજુ પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, અનેક ગામડામાં લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application