BREAKING NEWS

ગુજરાત પર હજુ પાંચ દિવસ ભારે...હવામાન વિભાગે વરસાદ ભુક્કા બોલાવી દે તેવી કરી આગાહી, જાણો ક્યાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું

  • July 24, 2026 06:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન ભારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે અને ચારેય તરફ વ્યાપક જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે. જોકે, હાલમાં રાજ્યવાસીઓને આ સ્થિતિમાંથી રાહત મળવાના કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી, કારણ કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે.


હવામાન ખાતાના અધિકારીઓના જણાવ્યા મુજબ, અરબ સાગર અને બંગાળની ખાડીમાં એકસાથે સક્રિય થયેલી મલ્ટિપલ વરસાદી સિસ્ટમ્સના કારણે ગુજરાત પર આ ભારે વરસાદી સંકટ મંડરાઈ રહ્યું છે. આ સિસ્ટમના પ્રભાવ હેઠળ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં આગામી દિવસો માટે વિગતવાર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે:


૨૪ જુલાઈ (શુક્રવાર) – રેડ એલર્ટ

આજે શુક્રવારે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં અત્યંત આફતજનક વરસાદની શક્યતાને પગલે 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સુરેન્દ્રનગરમાં 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના બાકીના તમામ જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ માટે 'યલો એલર્ટ' જાહેર કરાયું છે.


૨૫ જુલાઈ (શનિવાર) – ઓરેન્જ અને યલો એલર્ટ

શનિવારે પણ વરસાદનું જોર યથાવત રહેશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના બાકીના ભાગોમાં કલાકના ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ તેમજ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તે માટે 'યલો એલર્ટ' જારી કરાયું છે.


૨૬ જુલાઈ (રવિવાર) – ઓરેન્જ એલર્ટ

રવિવારના રોજ ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસવાની પૂર્ણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


૨૭ જુલાઈ (સોમવાર) – યલો એલર્ટ

અઠવાડિયાના પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતના સીમાવર્તી વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહી શકે છે. બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. જ્યારે બાકીના સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે.​​​​​​​

૨૮ અને ૨૯ જુલાઈ (મંગળ-બુધ) – વરસાદનું જોર ઘટશે

આગામી ૨૮ જુલાઈના રોજ વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે અને માત્ર બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લા પૂરતું જ 'યલો એલર્ટ' સીમિત રહેશે. ત્યારબાદ ૨૯ જુલાઈથી સમગ્ર રાજ્યમાં વરસાદી સિસ્ટમ ધીમી પડતાં વરસાદનું જોર ઘટશે અને મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે, જેનાથી લોકોને રાહત મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application