રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત સાથે શિક્ષણ ક્ષેત્રે એક અનોખી પહેલ સામે આવી છે. વડનગર ખાતેથી મુખ્યમંત્રી દ્વારા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એસટી નિગમની કંડમ હાલતમાં રહેલી બસને આધુનિક શાળામાં પરિવર્તિત કરવાની પહેલને અભિનંદન આપતાં જણાવ્યું કે, આ ગુજરાતમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું ઉત્તમ ઉદાહરણ છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે "રણ શાળા" એક યુનિક મોડલ છે, જેમાં સોલર એનર્જીના ઉપયોગથી બસની અંદર 20થી વધુ બાળકો માટે અભ્યાસની સુવિધા ઉભી કરવામાં આવી છે. બસને માત્ર વર્ગખંડ તરીકે નહીં પરંતુ બાળકો રમતા-રમતા શીખી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે. શિક્ષણને વધુ રસપ્રદ અને સર્જનાત્મક બનાવવા માટે વિવિધ શૈક્ષણિક સાધનો પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે ગુજરાત એસટીનો આ પ્રયાસ રાજ્ય માટે ગૌરવની બાબત છે. તૈયાર કરાયેલી આ વિશેષ બસ હવે શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે જેથી તેનો ઉપયોગ દૂરદરાજ અને જરૂરિયાતવાળા વિસ્તારોમાં થઈ શકે. ભવિષ્યમાં આવી વધુ બસો તૈયાર કરીને શિક્ષણના વ્યાપને વિસ્તૃત કરવાની પણ રાજ્ય સરકારની યોજના હોવાનું તેમણે જણાવ્યું.
શાળા પ્રવેશોત્સવના માધ્યમથી રાજ્ય સરકાર શિક્ષણને દરેક બાળક સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ હોવાનું નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.