BREAKING NEWS

સગાઈમાં જતા એક જ પરિવારના ચાર ગુજરાતી સહિત છ લોકો કાળનો કોળિયો, મહારાષ્ટ્રમાં સર્જાયો દર્દનાક અકસ્માત

  • June 09, 2026 08:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહારાષ્ટ્રના જલગાવમાં અમલનેર-ધુલે હાઈવે પર આજે વહેલી સવારે ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. હોટલ વૃંદાવન અને મંગરૂલ ગામ નજીક એસટી બસ, એક કાર અને બાઈક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં કુલ છ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. આ મૃતકોમાં કારમાં સવાર ગુજરાતના એક જ પરિવારના ચાર સભ્યો અને બાઈક સવાર લોકોનો સમાવેશ થાય છે. ખુશીના માહોલમાં અમલનેર ખાતે એક સગાઈના સંગમાં હાજરી આપવા જઈ રહેલા આ ગુજરાતી પરિવારને કાળ આંબી જતાં પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે અને લગ્નપ્રસંગની ખુશીઓ આક્રંદમાં ફેરવાઈ ગઈ છે.


અકસ્માતની વિગત એવી છે કે, એક એસટી બસ અને બાઈક અમલનેરથી ધુલે તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સામેની બાજુ એટલે કે ધુલે તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કારે સામેથી આવતી એસટી બસ અને બાઈકને એટલી જોરદાર ટક્કર મારી હતી કે જોતજોતામાં હાઈવે ચીસાચીસથી ગુંજી ઉઠ્યો હતો. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે કાર અને બાઈક બંનેનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને વાહનોના ફુરચેફુરચા ઊડી ગયા હતા.


આ કાળઝાળ અકસ્માતમાં બાઈક પર સવાર ધરનગાંવના રહેવાસી બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ તરફડીને મોત નીપજ્યા હતા. બીજી તરફ, કારમાં સવાર ગુજરાતી પરિવારના ચારેય સભ્યોના પણ ગંભીર ઈજાઓ થવાના કારણે સ્થળ પર જ શ્વાસ રૂંધાઈ ગયા હતા. મૃતકોની ઓળખ નંદલાલ ગોપાલ મહાજન, સુરેશ વિક્રમ મહાજન, અનિતા સુરેશ મહાજન અને નિર્મળા નંદલાલ મહાજન તરીકે થઈ છે. આ તમામ લોકો અમલનેર ખાતે એક સગાઈ પ્રસંગમાં જઈ રહ્યા હતા, પરંતુ વિધાતાને કંઈક જુદું જ મંજૂર હતું.

આ ભયાનક દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક ગ્રામજનો અને પોલીસનો મોટો કાફલો તાત્કાલિક હાઈવે પર દોડી આવ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના પતરાં ચીરીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા. આકાટમાળની વચ્ચે એક માસૂમ બાળક ફસાઈ ગયું હતું, જેને સ્થાનિક લોકો અને પોલીસે ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે બહાર કાઢી લેતા ઈશ્વરીય ચમત્કાર જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં એસટી બસમાં મુસાફરી કરી રહેલા દીપક દિલીપ પાટીલ નામના એક મુસાફરને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application