BREAKING NEWS

જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો, વેરાવળના મંદિરોમાં પાણી ઘૂસ્યા

  • July 02, 2026 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. મેઘરાજાની તોફાની બેટિંગને કારણે સતત બીજા દિવસે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી જ રાજ્યના ૮૫થી વધુ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં માત્ર છેલ્લા ચાર કલાકની અંદર જ સાડા સાત ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો છે. રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન પ્રભાવિત થયું છે.


વેરાવળના મંદિરોમાં પાણી ઘૂસ્યા

ગીર સોમનાથના વેરાવળમાં પણ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમી છે. વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અહીંના એક પ્રખ્યાત શિવ મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી તરફ, દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાંથી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં ભારે વરસાદના પરિણામે અચાનક આશરે ૪૦ મીટર જેટલો પાકો રોડ જમીનમાં બેસી ગયો (ગાબડું પડી ગયું) હતો. રોડ ધસી પડવાની આ ઘટનામાં કેટલાક વાહનો પણ ફસાયા હોવાના અહેવાલ સાંપડ્યા છે.


ઉપલેટામાં અંધારપટ વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ બપોરે ૧૨ વાગ્યાની આસપાસ વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળાડિબાંગ વાદળોના ઘેરાવ વચ્ચે મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી હતી. વરસાદની ગતિ એટલી તીવ્ર હતી કે ધોધમાર વરસાદને કારણે ધોળા દિવસે વિઝિબિલિટી (દ્રશ્યતા) પણ ઘટી ગઈ હતી અને વાહનચાલકોને હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. જોકે, આ વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે અને જગતનો તાત ગણાતા ખેડૂતોમાં વાવણી લાયક વરસાદને પગલે ખુશીનો માહોલ જોવા મળ્યો છે. માત્ર થોડી જ ક્ષણોમાં ઉપલેટાના મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેમ પાણી ભરાઈ ગયા હતા.


ગોંડલના રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનવ્યવહાર ઠપ્પ

સૌરાષ્ટ્રના અગ્રણી સેન્ટર ગોંડલ શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે છૂટો-છવાયો અને ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો હતો. બપોરે ૧૨ વાગ્યાથી ૨ વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન શહેરમાં સરેરાશ ૫ મિમી વરસાદ નોંધાયો હતો. ગોંડલની ગુંદાળા શેરી સહિતના વેપારી વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા. સૌથી વધુ મુશ્કેલી ખોડિયાર નગર પાસે આવેલા રેલવે અંડરબ્રિજમાં જોવા મળી હતી, જ્યાં ગોઠણડૂબ પાણી ભરાઈ જવાના કારણે વાહન-વ્યવહાર સંપૂર્ણપણે અટવાઈ પડ્યો હતો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application