રવીના ટંડનની પુત્રી રાશા થડાની બોલિવૂડ ડેબ્યૂ બાદ હવે સાઉથ સિનેમા તરફ વળી છે. રાશા થડાની સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુના ભત્રીજા જયા કૃષ્ણા ધટ્ટામાનેની સાથે તેલુગુ ડેબ્યૂ કરી રહી છે. અજય ભુપતિના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ગુરુવાર, 30 જુલાઈ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે, જેને લઈને મહેશ બાબુ ખૂબ જ ઉત્સાહિત છે. આ જયા કૃષ્ણાની પણ ડેબ્યૂ ફિલ્મ છે, જેના પર મહેશ બાબુએ ખુશી વ્યક્ત કરી છે અને જયા કૃષ્ણાને તેની આગામી ફિલ્મ માટે શુભેચ્છાઓ આપી છે.મહેશ બાબુએ એક વીડિયો શેર કર્યો, જેમાં તેઓ કહે છે, મારો ભત્રીજો, જય કૃષ્ણા, 'શ્રીનિવાસ મંગાપુરમ'થી પોતાનું ડેબ્યૂ કરી રહ્યો છે. આખો પરિવાર તેની નવી ઈનિંગ્સને લઈને ખૂબ જ ખુશ છે.ડિરેક્ટર અજય ભુપતિ અને મ્યુઝિક કંપોઝર જી.વી. પ્રકાશએ પોતાનું કામ ખૂબ જ સરસ રીતે કર્યું છે. તે બંનેને આટલી સરસ રીતે રજૂ કરવાનો શ્રેય ડિરેક્ટર અજય ભુપતિને જવો જોઈએ.પોતાની પોસ્ટમાં આગળ મહેશ બાબુએ ફિલ્મના ટેકનીશિયન્સના પણ વખાણ કર્યા. તેમણે લખ્યું– "મને લાગે છે કે ફિલ્મના ટેકનીશિયન્સે ખૂબ જ મહેનત કરી છે અને આ ફિલ્મની કરોડરજ્જુ મ્યુઝિક ડિરેક્ટર જી.વી. પ્રકાશ છે. એનું મ્યુઝિક પહેલેથી જ હિટ થઈ ચૂક્યું છે. આ ફિલ્મનું મારું મનપસંદ ગીત 'અલેલે' છે. મને એ ગીત ખૂબ જ ગમ્યું. રાશા થડાનીએ નવેમ્બર 2025માં એક પોસ્ટ દ્વારા પોતાના તેલુગુ ડેબ્યૂની જાહેરાત કરી હતી. એક પોસ્ટર શેર કરતા તેણે સુપરસ્ટાર મહેશ બાબુના ભત્રીજા જયા કૃષ્ણા ધટ્ટામાનેની સાથે પોતાની ત્રીજી ફિલ્મ, 'શ્રીનિવાસ મંગાપુરમ'ની જાહેરાત કરી હતી. તેણે લખ્યું હતું, "નવી શરૂઆત, અનંત આભાર! મી એન્દરી પ્રેમા, હું તેલુગુ સિનેમામાં કદમ મૂકી રહી છું. જણાવી દઈએ કે, રાશા થડાનીએ અભિષેક કપૂરની ફિલ્મ 'આઝાદ'થી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન અને તેનો ભત્રીજો અમન દેવગન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા, પરંતુ તે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. રાશા, સૌરભ ગુપ્તાના નિર્દેશનમાં બની રહેલી બોલિવૂડ રોમેન્ટિક ડ્રામા 'લાઈકી લાઈકા'નો પણ હિસ્સો છે. આ ફિલ્મમાં અભય વર્મા પણ મુખ્ય ભૂમિકામાં છે.બીજી તરફ મહેશ બાબુની વાત કરીએ તો તેલુગુ સુપરસ્ટાર આજકાલ પોતાની આગામી ફિલ્મ 'વારાણસી'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 2027માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. એસ.એસ. રાજામૌલીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં મહેશ બાબુ સાથે પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા 'વારાણસી'ના શૂટિંગના સિલસિલામાં હૈદરાબાદ પહોંચી છે, જ્યાં તે ફિલ્મના બાકીના ભાગોનું શૂટિંગ કરશે.