રણબીર કપૂરની 'રામાયણ: પાર્ટ 1'નું એન્ડિંગ બાહુબલી સ્ટાઇલમાં થશે. વાર્તાને એવા વળાંક પર પૂરી કરવામાં આવશે જેથી ઓડિયન્સ બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ શકે.
રણબીર કપૂરની 'રામાયણ' હાલના સમયની સૌથી મોટી ફિલ્મ બનેલી છે. નિતેશ તિવારીના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મની શાનદાર કાસ્ટે ઓડિયન્સને તેની સાથે જોડી રાખી છે. સાઉથથી લઈને હિન્દી ફિલ્મો અને ટીવી જગતના એક્ટર્સ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. KGF સ્ટાર યશને રાવણ બનેલો જોવા માટે રાહ જોવાઈ રહી છે. ડાયરેક્ટરના જણાવ્યા મુજબ, ફિલ્મમાં 'બાહુબલી' સ્ટાઇલ ફોર્મ્યુલા અપનાવવામાં આવશે. ફિલ્મના પહેલા ભાગને એક રસપ્રદ પોઇન્ટ પર પૂરો કરવામાં આવશે જેથી ઓડિયન્સ પછીના ભાગની રાહ જોઈ શકે.ફિલ્મને ડાયરેક્ટ કરનાર નિતેશ તિવારીએ કહ્યું કે, રામાયણ પાર્ટ 1નો અંત એક સસ્પેન્સ પર કરવામાં આવશે જેથી લોકો બીજો ભાગ જોવા માટે ઉત્સુક રહે. તેમણે કહ્યું, "અમે પહેલા ભાગને જ્યાં પૂરો કર્યો છે, તેને તમે 'ક્લિફહેંગર કહી શકો છો. એટલે કે કંઈક એવું જે લોકોને થીએટરમાંથી બહાર નીકળતા જ બીજો ભાગ જોવા માટે આતુર કરી દેશે.આગળ ડાયરેક્ટરે કહ્યું કે આ વાર્તા બે ભાગમાં કહેવાવી જોઈએ, તેને ફક્ત એક ભાગમાં કહી શકાય નહીં. અમે નક્કી કર્યું કે સૌથી શ્રેષ્ઠ એ રહેશે કે અમે ઉત્તમ ભાગને પહેલા પાર્ટમાં રાખીએ અને બાકીની વાર્તા બીજા પાર્ટ માટે. ફિલ્મના પહેલા ભાગને એક ખાસ વળાંક પર પૂરો કરવામાં આવશે અને આગળની વાર્તા બીજા ભાગમાં પૂરી કરવામાં આવશે.ફેન્સની થિયરી મુજબ, ફિલ્મના પહેલા ભાગમાં રામની સફર, સીતા મિલન, વિવાહ, અયોધ્યાની રાજગાદી, વનવાસ અને સીતા હરણ બતાવવામાં આવશે. જ્યારે બીજા ભાગમાં રામ-હનુમાન મિલન, સુગ્રીવ અને વાનર સેના, રાવણનું રાજ તથા પરિવાર, અને મહાયુદ્ધ બતાવવામાં આવી શકે છે. વાર્તાને એક ખાસ વળાંક પર છોડી દેવામાં આવશે જેને પછી બીજા ભાગમાં બતાવવામાં આવશે.તાજેતરમાં ફિલ્મના એક ઈવેન્ટમાં મીડિયા અને કલેક્ટિવ હસ્તીઓને ટ્રેલર બતાવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર આ ટ્રેલર લીક થઈ ચૂક્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સ રાવણ બનેલા યશના લુક વિશે વાતો કરી રહ્યા છે. સાથે જ, ટ્રેલર લીક થઈ જવાના કારણે કેટલાક યુઝર્સે મેકર્સને અપીલ કરી છે કે હવે તેમણે સત્તાવાર રીતે ટ્રેલર રિલીઝ કરી દેવું જોઈએ. પહેલાં રામાયણનું ટ્રેલર 24 જુલાઈએ રિલીઝ થવાનું હતું પરંતુ કેટલાક કારણોસર તેને પોસ્ટપોન (આગળ ઠેલવવામાં) કરવામાં આવ્યું છે.ફિલ્મ રામાયણની સૌથી મોટી ખાસિયત તેની જબરદસ્ત કાસ્ટ છે. બે ભાગમાં બનનારી આ ફિલ્મમાં રણબીર રામના રૂપમાં જોવા મળશે. આ સિવાય સાઈ પલ્લવી, યશ, સની દેઓલ, રવિ દુબે, રકુલપ્રીત સિંહ, અરુણ ગોવિલ, કુણાલ કપૂર, લારા દત્તા, શીબા ચડ્ડા, વિવેક ઓબેરોય જેવા એક્ટર્સ જોવા મળશે.ફિલ્મનો પહેલો ભાગ આ દિવાળી 2026 પર રિલીઝ થઈ રહ્યો છે. જ્યારે બીજા ભાગ માટે 2027ની દિવાળી સુધી રાહ જોવી પડશે.