રાજકોટ મહાનગર પાલિકાના આસી.ઈજનેર અને તેના શિક્ષક પત્ની ૧૧૦ કરોડની જમીનનો સોદો કરવાનું કહી ૨.૫૦ કરોડ પડાવી લેનાર દંપતી સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવ અંગે યુનિવર્સિટી રોડ પર શારદાનગર સોસાયટી શેરી નં.૧ માં રહેતાં કરણરાજસિંહ યોગેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૩૫) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે આશિષ બાબુલાલ દેથરીયા અને દીપાબેન રાજેશ મારૂ (રહે બંને. નીરજની સોસાયટી, હનુમાન મઢી) ના નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ રાજકોટ મહાનગરપાલીકામા આસી.ઈજનેર તરીકે નોકરી કરે છે. તેઓના પત્નિ કૃપાબા ઝાલા છે સંતાનમાં એક પુત્ર છે. તેઓના પત્નિ શિક્ષિકા તરીકે નોકરી કરે છે.
વર્ષ ૨૦૨૩ માં તેમના પત્ની કૃપાબા આત્મિય સ્કુલમાં નોકરી કરતા હોય અને તેમની સાથે દિપાબેન દેથરીયા શિક્ષિકા તરીકે નોકરી કરતા હતાં. ત્યારે બંને વચ્ચે મિત્રતા થઇ હતી. તેઓ તથા તેના પતિ આશીષ દેથરીયા સાથે ઘરે આવવા જવાના સંબંધ હતા. તા ૧૯/૦૪/૨૦૨૪ ના આશીષ તથા તેના પત્ની દિપાબેન ઘરે આવેલ અને રૂ ૨૦ હજાર માંગતા તેઓને ઓનલાઇન આપેલ હતા. જે પૈસા બે-ત્રણ દિવસમા પરત આપી ભરોસો અને વિશ્વાસ કેળવેલ હતો.
ગઈ તા ૧૨/૦૫/૨૦૨૪ ના દંપતી ઘરે આવી તેઓને રૂ ૧૫ હજાર કટકે કટકે આપેલ હોય જે માગતા તેઓએ એક ચેક આપેલ જે બેન્કમાંબેંકમાં નાખતા બાઉન્સ થયેલ હતો. ત્યારબાદ બંનેએ ઘરે આવી વાત કરેલ કે, હુ એકઝીબીશન તથા જમીન-મકાન દલાલીનુ કામ કરું છુ, મારી તથા મારા મીત્ર મુકેશભાઈ રાદડીયા પાસે જમીનનુ કામ આવેલ છે, જે જમીન કાલાવડ રોડ અવધના ઢાળીયા પાસે આવેલ છે, જેની કિંમત આશરે ૧૧૦ કરોડની છે, અને આ જમીન કિશોર કોટેચાના નામની છે અને જમીન વાંધાવાળી છે, આ કિશોરભાઈ કોટેચાનો નંબર મને મળતો નથી અને આ જમીન મુંબઈ ખાતે દફતરી સાહેબને લેવી છે.
જેથી ફરીયાદીએ ગુગલમા સર્ચ કરી કિશોરભાઇ કોટેચાના ઓફિસના નંબર શોધી આશીષને આપ્યા હતા. બાદ તે અવધના ઢાળીયા પાસે એક જમીન બતાવવા માટે લઈ ગયેલ જે જગ્યામા સિમેન્ટના પાટિયા મારેલ હતા. આ જમીન જોતા આશીષ ઉપર વિશ્વાસ આવેલ હતો. દરમિયાન આરોપી દંપતીએ જણાવેલ કે, આપણે આ નોકરી કરીને પૈસાવાળા નહીં થઈએ, આપણે આ જમીનના સોદો કરવામાં કોઇ ખોટુ કામ કરવાનુ નથી. દલાલીમાં જે ૫૦ ટકા રકમ મુકેશ ભાઈને આપવાની હતી તે રકમ હવે તે તમને આપશે.
તેમાં રોકાણ બને જણા કરીશુ અને જમીન વેચાણ થઈ ગયા બાદ જે પૈસા મળશે તેમા ખર્ચ બાદ કરી અને રકમ ૫૦ ટકામાં વહેચી લઈશું. જમીનમાં સોદા માટે તેમજ દલાલી માટે ફરીયાદી તેમજ તેમના પરિવાર અને સગા સબંધી તથા મિત્ર પાસેથી લીધેલ રૂપીયા, ક્રેડીટ કાર્ડમાંથી ઉપાડેલ તેમજ સોનાના ઘરેણા ગેરવી મુકી, વેચાણ કરી તેમજ બેંકમાંથી ફરીયાદી અને તેમની પત્નિના નામની પર્સનલ લોન લીધેલ હોય જે ડેરલ યાર્ડલી, હસબીન અંસારી, હાર્દીક ઝાલાવડીયા, સમચંદ્રાની દીપક, બલદેવ અભિષેક નરેન્દ્રભાઇ તથા જયપ્રકાશ તીવારીને ઓનલાઇન તેમજ કેશમા તથા ક્રેડીટ કાર્ડમાંથી કુલ રૂ.૨,૪૯,૭૦,૧૦૧ આપેલ હતા.
આમ આ રકમ આરોપી દંપતીએ મેળવેલ અને કોઇ જમીનમા દલાલીનો ભાગ ન આપી છેતરપિંડી કરી હોય એટલુ જ નહીં દેવાંગભાઈ તથા કીશોરભાઈ કોટેચા કોઇ વ્યકિત ન હોય અને આ મોબાઇલ નંબર આશીષના નામ ઉપર જ રજીસ્ટર હોય તેના ઉપરથી આશીષ દેથરીયા જ તેઓ સાથે વાત કરતો હતો. તેમજ આ દફતરી સાહેબ આશીષના મિત્ર ડેરલ યાર્ડલીના હોય અને તેમા પણ આ આશીષ દફતરી સાહેબ બનીને વાત કરતો હતો.