BREAKING NEWS

દ.ગુજરાત-સોરઠને મેઘરાજાએ ધમરોળ્યુંઃ આઠ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યા

  • July 02, 2026 03:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ચોમાસું પૂરી તાકાત સાથે આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં (તારીખ 1 જુલાઈ સવારે 06:00 વાગ્યાથી 2 જુલાઈ સવારે 06:00 વાગ્યા સુધી) અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના આંકડા અનુસાર, આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દક્ષિણ ગુજરાત અને સોરઠ પંથકમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હોય તેમ આઠ ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે.  


રાજ્યના 107 તાલુકાઓમાં સામાન્યથી આઠ ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં 20 તાલુકામાં અડધાથી એક ઈંચ સુધી, 23 તાલુકામાં એક ઈંચથી બે ઈંચ, 13 તાલુકામાં બે થી ત્રણ ઈંચ, છ તાલુકામાં ત્રણથી ચાર ઈંચ આઠ તાલુકામાં ચારથી છ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.


દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં 203 મીમી એટલે કે અંદાજે આઠ ઈંચથી વધુ છે. આ ઉપરાંત, સુરતના જ બારડોલીમાં 197 મીમી (7.76 ઇંચ) અને મહુવા તાલુકામાં 191 મીમી (7.52 ઇંચ) ભારે વરસાદ ખાબક્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં પણ 196 મીમી (7.72 ઇંચ) અને વાપીમાં 189 મીમી (7.44 ઇંચ) વરસાદ ખાબક્યો છે, જેના કારણે સ્થાનિક નદી-નાળા છલકાયા છે.


બીજી તરફ સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ મુશળધાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે. જૂનાગઢના માળિયા હાટીનામાં 178 મીમી (7.01 ઇંચ), કેશોદમાં 132 મીમી (5.20 ઇંચ), માંગરોળમાં 121 મીમી (4.76 ઇંચ) અને ભેસાણમાં 107 મીમી (4.21 ઇંચ) વરસાદ પડ્યો છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં 133 મીમી (5.24 ઇંચ) અને પાટણ-વેરાવળમાં 85 મીમી (3.35 ઇંચ) પાણી પડતાં ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના લોધિકામાં પણ 85 મીમી વરસાદ નોંધાયો છે


મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ત્યાં વરસાદની ગતિ ધીમી રહી છે. અમદાવાદના ધંધુકામાં 39 મીમી, વડોદરાના પાદરામાં 43 મીમી અને પંચમહાલના કાલોલમાં 36 મીમી વરસાદ નોંધાયો છે. મહેસાણા, આણંદ અને ભરૂચના કેટલાક વિસ્તારોમાં માત્ર હળવા ઝાપટાં પડ્યા છે. રાજ્યના કુલ 100થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થતાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે.


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે પણ વહેલી સવારથી જ ભારે વરસાદ શરૂ થયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (ગાંધીનગર)ના અહેવાલ મુજબ, આજે સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ વાગ્યા સુધીના માત્ર બે કલાકના સમયગાળામાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ ૬૦ મીમી (૨.૩૬ ઇંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય કોડીનારમાં પણ ૩૫ મીમી (૧.૩૮ ઇંચ) વરસાદ નોંધાયો છે.


જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે, જ્યાં વંથલી તાલુકામાં ૪૪ મીમી (૧.૭૩ ઇંચ) વરસાદ પડ્યો છે. જ્યારે જૂનાગઢ અને જૂનાગઢ શહેરમાં ૨૧-૨૧ મીમી (૦.૮૩ ઇંચ) વરસાદ નોંધાયો છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતના વલસાડના ઉમરગામમાં ૧૫ મીમી અને સુરતના પલસાણામાં ૧૪ મીમી વરસાદ નોંધાયો છે. વહેલી સવારના આ ભારે વરસાદને પગલે નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.  


આજે જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બે જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે દસ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ અને દસ જિલ્લામાં હળવા વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ છે. પોરબંદર, અમરેલી, ભાવનગર, આણંદ, સુરત, ભરુચ, નવસારી, વલસાડ, ડાંગ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તેમજ રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, મહીસાગર, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application