રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૮માં ટાઉન પ્લાનિંગ અને ડેવલપમેન્ટ બ્રાન્ચ તેમજ આવાસ યોજના બ્રાન્ચ દ્વારા વધુ એક મેગા ડિમોલિશનની તૈયારી શરૂ કરવામાં આવી છે.અમિન માર્ગ ઉપર સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ નજીક આવેલી વર્ષો જુની હિંગળાજનગર ઝૂંપડપટ્ટીમાં આવેલા ૭૦ જેટલાં કાચા પાકા મકાનો અને ઝૂંપડા ખાલી કરવા મહાપાલિકાએ નોટિસ ફટકારતા રહીશોમાં દેકારો બોલી ગયો હોવાનું જાણવા મળે છે. દરમિયાન બિલ્ડરોના ઇશારે મહાપાલિકા તંત્રએ ડિમોલિશન માટે નોટિસો આપી હોવાનો આક્ષેપ રહીશો કરી રહ્યા છે.
વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, હવે ચોમાસા આડે એક સપ્તાહનો સમય માંડ બાકી રહ્યો છે ત્યારે ૧૫ દિવસમાં કાચા-પાકા મકાનો અને ઝૂંપડા ખાલી કરવા નોટિસો ફટકારી આખરી ચેતવણી આપવામાં આવતા તેમજ
મ્યુનિ.વિજીલન્સ પોલીસ સ્ટાફને સાથે રાખીને આ પ્લોટનું ડિમાર્કેશન પણ કરવામાં આવતા રહીશોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ચોમાસા બાદ ડિમોલિશન કરાય અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ રહીશોમાંથી ઉઠવા પામી છે. અમીન માર્ગ પર સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ નજીક આવેલો આ પ્લોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા હસ્તકનો છે. આ ટીપી પ્લોટમાં દાયકાઓ જૂની ઝૂંપડપટ્ટી આવેલી છે, જેને ખાલી કરાવવા મનપાએ અગાઉ પણ વહીવટી પ્રક્રિયા હાથ ધરી હતી, પરંતુ મામલો અદાલતમાં જતાં કામગીરી અટકી પડી હતી. તાજેતરમાં જ આ કાનૂની વિવાદનો ચુકાદો મહાનગરપાલિકાની તરફેણમાં આવતાં હવે તંત્ર માટે દબાણો દૂર કરવાનો માર્ગ મોકળો બન્યો છે.આ જમીન પર પીપીપી ધોરણે આવાસ યોજના આકાર લેશે, જેમાં મનપા દ્વારા ૨૦ ટકા જગ્યા ફાળવવામાં આવશે.
દરમિયાન આ અંગે વેસ્ટ ઝોન ટીપી બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે સ્થાનિકોને સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવા ૧૫ દિવસની આખરી ચેતવણી સાથેની નોટિસની બજવણી કરાઇ છે. જો ૧૫ દિવસમાં જગ્યા ખાલી કરવામાં નહીં આવે તો ડિમોલિશનથી મનપાની જમીન ખુલી કરવામાં આવશે.