ચોમાસાની અડધી સિઝન પૂરી થવા આવી ત્યારે આખરે મેઘરાજા સૌરાષ્ટ્ર પર મહેરબાન બન્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે ગુરુવારે સવારે પણ મેઘસવારી યથાવત રહેતા ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર અને અમરેલી જિલ્લાના 15 તાલુકામાં ઝાપટાથી માંડીને અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સતત વરસી રહેલા વરસાદને કારણે માળીયાહાટીનામાં કુલ વરસાદનો આંક સાડા નવ ઇંચે અને કેશોદમાં સાત ઇંચે પહોંચી ગયો છે.
આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 107 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌરાષ્ટ્રના 41 તાલુકાનો સમાવેશ થાય છે. ત્યારબાદ આજે સવારે પણ રાજ્યના 34 તાલુકામાં વરસાદ ચાલુ રહ્યો હતો, જેમાં સૌરાષ્ટ્રના 15 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.
માળીયાહાટીનામાં છેલ્લા 24 કલાક દરમિયાન સાત ઇંચ વરસાદ નોંધાયા બાદ આજે સવારે વધુ અઢી ઇંચ વરસાદ પડતાં કુલ વરસાદ સાડા નવ ઇંચ થયો હતો. કેશોદમાં ગઈકાલના સાડા પાંચ ઇંચ ઉપરાંત આજે દોઢ ઇંચ વધુ વરસાદ નોંધાતા કુલ સાત ઇંચ વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગે નાઉકાસ્ટમાં કરેલી આગાહી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડામાં અઢી ઇંચ તથા કોડીનાર અને વેરાવળ-પાટણમાં અડધોથી પોણો ઇંચ વરસાદ પડ્યો હતો.
જૂનાગઢ જિલ્લામાં વંથલીમાં ત્રણ ઇંચ, માળીયાહાટીનામાં અઢી ઇંચ, કેશોદમાં દોઢ ઇંચ તેમજ જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. માણાવદર, મેંદરડા અને માંગરોળ પંથકમાં પણ અડધોથી એક ઇંચ સુધીના વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જામનગર જિલ્લાના જોડિયા તથા અમરેલી જિલ્લાના જાફરાબાદમાં પણ પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
આ અગાઉના 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીનામાં સાત ઇંચ, કેશોદમાં સાડા પાંચ ઇંચ, માંગરોળમાં પાંચ ઇંચ, ભેસાણમાં સાડા ચાર ઇંચ, જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં અઢી ઇંચ તથા માણાવદર, વંથલી અને વિસાવદરમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડામાં સાડા પાંચ ઇંચ, વેરાવળ-પાટણમાં સાડા ત્રણ ઇંચ જ્યારે તાલાલા, ઊના, ગીર ગઢડા અને કોડીનારમાં અડધોથી એક ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો.
રાજકોટ જિલ્લામાં લોધિકામાં સાડા ત્રણ ઇંચ, ગોંડલમાં ત્રણ ઇંચ, કંડોરણામાં અઢી ઇંચ તથા કોટડા સાંગાણી, ધોરાજી અને જેતપુરમાં એકથી પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટ શહેરમાં પોણો ઇંચ જ્યારે ઉપલેટા અને જસદણમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.
અમરેલી જિલ્લામાં બગસરામાં બે ઇંચ, રાજુલા, અમરેલી, કુંકાવાવ-વડિયા અને લીલીયામાં એકથી પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. લાઠી, બાબરા, જાફરાબાદ અને ધારીમાં ઝાપટાં પડ્યાં હતાં. ભાવનગર જિલ્લામાં મહુવામાં એક ઇંચ તથા ગારીયાધાર અને તળાજામાં વરસાદ નોંધાયો હતો. જામનગર, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાના કાલાવડ, જામજોધપુર, વઢવાણ, ચુડા અને રાણાવાવમાં પણ ઝાપટાથી માંડીને પોણો ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો.