BREAKING NEWS

કાર બજારમાં જંગ તેજઃ ભારતમાં ગ્લોબલ કંપનીઓનો મોટો દાવ, ઇવીના વેચાણમાં 11નો વધારો

  • June 09, 2026 05:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરમાં હાલમાં કારના વેચાણના તમામ રેકોર્ડ તૂટી રહ્યા છે અને તેની સાથે જ બજારમાં સ્પર્ધા પણ ખૂબ જ તેજ બની ગઈ છે. હાલમાં ભારતીય કાર બજારના કુલ વેચાણમાં મારૂતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મહિન્દ્રા અને ટાટા મોટર્સનો હિસ્સો 80 ટકા જેટલો મોટો છે. જો કે, આ દિગ્ગજ કંપનીઓના વર્ચસ્વ વચ્ચે હવે ગ્લોબલ કંપનીઓ જેવી કે ટોયોટા, હોન્ડા, રેનો, નિસાન, ફોક્સવેગન, સ્કોડા, સ્ટેલાન્ટિસ અને એમજી મોટર્સ સહિત જેએસડબલ્યુ જેવા નવા ખેલાડીઓ સ્થાનિક સ્તરે નવા ઉત્પાદનો, એસયુવી, હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનો (ઇવી) દ્વારા પકડ મજબૂત કરવા માટે કમર કસી રહ્યા છે. આ માટે ગ્લોબલ કંપનીઓ ભારતમાં મોટું રોકાણ કરવા અને નવા આકર્ષક મોડલ્સ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. દેશમાં મોંઘવારી, ઈંધણની વધતી કિંમતો અને કાળઝાળ ગરમી હોવા છતાં પણ ઓટોમોબાઇલ્સની માંગ સતત મજબૂત બની રહી છે.


મે ૨૦૨૬ના મહિનામાં વાહનોના વેચાણે એક નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. દ્વિચક્રી વાહનોથી લઈને કાર સુધીના તમામ સેગમેન્ટમાં શાનદાર વૃદ્ધિ નોંધાઈ છે. 'ફાડા'ના આંકડા મુજબ, મે મહિનામાં દેશમાં કુલ રિટેલ વેચાણ 9.55 ટકા વધીને 25,31,067 યુનિટના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. મે ૨૦૨૬માં કુલ 25.31 લાખ વાહનો વેચાયા છે. જો વાહન વાઈઝ વિગત જોઈએ તો, કારનું વેચાણ 4.03 લાખ યુનિટ્સ (23.25 ટકા વધારો), ટ્રેક્ટર 0.81 લાખ યુનિટ્સ (11.14 ટકા વધારો), ટૂ-વ્હીલર 18.45 લાખ યુનિટ્સ (7.54 ટકા વધારો), કોમર્શિયલ વાહનો 0.83 લાખ યુનિટ્સ (5.29 ટકા વધારો) અને થ્રી-વ્હીલરનું વેચાણ 1.11 લાખ યુનિટ્સ (3.56 ટકા વધારો) નોંધાયું છે.


ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ અભૂતપૂર્વ રીતે વધી રહ્યો છે. ઇતિહાસમાં પહેલીવાર કુલ વાહનોના વેચાણમાં ઇલેક્ટ્રિક વાહનોની હિસ્સેદારી 11 ટકાને પાર પહોંચી ગઈ છે, જે અગાઉ એપ્રિલ ૨૦૨૬માં કેવળ સાત ટકા હતી. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ વેચાણમાં ઇવીની હિસ્સેદારી સાત ટકાથી પણ ઓછી હતી. મે ૨૦૨૬ના મહિનામાં જ માત્ર 26,319 ઇલેક્ટ્રિક કારનું વેચાણ થયું છે, જે વાર્ષિક આધારે 79 ટકાનો તોતિંગ વધારો દર્શાવે છે. કુલ વેચાણમાં સેગમેન્ટ વાઈઝ ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬ની સરખામણીએ આ મુજબ વધ્યો છે. ટૂ-વ્હીલરમાં ઇવી હિસ્સો 6.0 ટકાથી વધીને 9.25 ટકા, કારમાં 4.1 ટકાથી વધીને 6.4 ટકા, અને થ્રી-વ્હીલરમાં 57 ટકાથી વધીને 61 ટકા થયો છે. ઇલેક્ટ્રિક કાર વેચવામાં ટાટા મોટર્સ 10,236 વાહનો સાથે સૌથી આગળ છે, ત્યારબાદ મહિન્દ્રા 6,133, એમજી મોટર્સ 4,936, મારૂતિ સુઝુકી 1,577 અને વિનફાસ્ટ 1,222 સાથે અનુક્રમે નંબર આવે છે.


ઓટોમોબાઈલ ક્ષેત્રે ગ્લોબલ કંપનીઓ ભારતમાં કરોડો રૂપિયાનું રોકાણ કરીને 'ફાસ્ટ લેન' માં દોડવા માટે સજ્જ થઈ છે. જેમાં ટોયોટા મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના બિડકિન ક્ષેત્રમાં 20,000 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે નવો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપી રહી છે.


રેનો અને નિસાન ડસ્ટર હાઇબ્રિડના નેતૃત્વમાં નવા પ્રોડક્ટની તૈયારી કરી રહી છે. આ કંપનીઓ 3-રો એસયુવી, કોમ્પેક્ટ એસયુવી અને મેડ ઇન ઇન્ડિયા ઇવી લોન્ચ કરવાનું આયોજન ધરાવે છે. સ્કોડા કાઇલાક પ્લેટફોર્મ પર આધારિત નવી કોમ્પેક્ટ એસયુવીના વિકાસ પર ઝડપથી કામ કરી રહી છે. હોન્ડા આયાતી ઝેડઆર-વી એસયુવી અને વર્ષ ૨૦૨૮ સુધીમાં બે નવી એસયુવી કાર લોન્ચ કરવાની કંપનીની યોજના છે. એમજી મોટર્સ કંપની પોતાની નવી કાર 'એસએસઆઈસી વુલિંગ સ્ટારલાઈટ' નું ટેસ્ટિંગ કરી રહી છે જે હેક્ટરનું સ્થાન લેશે. આ ઉપરાંત એમજી-સિલેક્ટ પોર્ટફોલિયો હેઠળ નવા પ્રીમિયમ મોડલ્સ પણ માર્કેટમાં લાવવામાં આવશે.

નિષ્ણાતોના મતે, જો આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલ અને સીએનજીની કિંમતો ઊંચી રહેશે અને દેશમાં ઈવી ચાર્જિંગનું નેટવર્ક વધુ મજબૂત બનશે, તો આવનારા દિવસોમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ હજી વધુ ઝડપથી વધશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application