રાજકોટના આંગણે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભવ્યાતિ ભવ્ય માનવ ઉત્કર્ષ મહોત્સવ 11થી 17 એપ્રિલ વચ્ચે યોજાવા જઈ રહ્યો છે. જેમાં કાલાવડ રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કર્તાધર્તા અપૂર્વમુનિ સ્વામી હજારો હરિભક્તોને વિવિધ વિષયો પર જ્ઞાન પીરસશે. આ મહોત્સવની તડામાર તૈયારી વચ્ચે અપૂર્વમૂનિ સ્વામીએ આજે આજકાલના આંગણે પધરામણી કરી હતી. આજકાલ સાંધ્ય દૈનિકના એડિટર ઈન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણીએ સ્વામીજીના આશીર્વાદ લીધા હતા. અપૂર્વમુનિ સ્વામીએ આજકાલ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ટુબીએચકે ફ્લેટમાં રામ-સીતા લવ-કુશ સાથે રહે એટલે સંસાર સુખી છે.

અપૂર્વમુનિ સ્વામીએ માનવ ઉત્કર્ષ મહોત્સવ વિશે જણાવ્યું હતું કે, 11થી 17 એપ્રિલ દરમિયાન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેમાં રોજ રાતે 8.30 વાગ્યે રામાયણ, મહાભારત, ઉપનિષદ, ભાગવત ગીતા અને વેદોના જ્ઞાનના રસપાનની સાથે આપણે નવી જનરેશનને સાથે રાખીને એઆઇનું પણ જ્ઞાન પીરસવાના છીએ. છ દિવસ રોજ અલગ અલગ ટોપિક પર લોકોને જ્ઞાન આપવાના છીએ. જેમાં સફળતા, આર્ય સંતાનો સાવધાન, શબ્દો કી, સત્ય સનાતન દેશ હૈ મેરા, પરમાત્મા છે તો પ્રશ્નો કેમ અને મોજમાં રહે તે માનવ જેવા વિષયોનો સમાવેશ થાય છે.

128 ફૂટનું સ્ટેજ હશે, છ હજાર ફૂટથી વધુની મોટી એલઇડી હશે
અપૂર્વમુનિ સ્વામિએ માનવ ઉત્કર્ષ મહોત્સવની વ્યવસ્થા વિશે જણાવ્યું હતું કે, 128 ફૂટનું વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું છે. તેમજ છ હજારથી વધુ ફૂટની મોટી એલઇડી રાખવામાં આવી છે. જેના પર હું જે બોલીશ એ પ્રસંગ વિઝ્યુલાઇઝ કરીને દેખાડવામાં આવશે. દરેક લોકોને બેસવા માટે ખુરશીઓ અને સોફાની વ્યવસ્થા કરવામાં આવી છે. મહોત્સવમાં આવનાર દરેક લોકોને પ્રસાદ આપવામાં આવશે. તેમજ મહોત્સવમાં બ્લડ ડોનેશન કેમ્પ, અંગદાન સંકલ્પ, નિશુલ્ક નિદાન કેમ્પ કે જેમાં બધા ડોક્ટરોની ટીમ હશે.

પહેલીવાર પારિવારિક શાંતિ યજ્ઞ યોજાશે
અપુર્વમુનિ સ્વામિએ મહોત્સવ વિશે ઉમેર્યું હતું કે, પહેલીવાર અમે પારિવારિક શાંતિ યજ્ઞ કરવાના છીએ. જેનો હેતુ પરિવારના સભ્યોનો સ્વભાવ શાંત રહે. આ યજ્ઞમાં ગુણ ચિંતનન કે જેમાં દંપતી એકબીજાની પોઝિટિવિટી લખશે. બાદમાં દંપતી એકબીજાના અવગુણ દોષ લખીને હવનકુંડમાં હોમી દેશે. બાળકો પોતાના માતા-પિતાના ઉપકારો વિશે લખશે. રોજ સાંજ 5.30થી 7.30 વાગ્યા સુધી આ યજ્ઞ યોજાશે. આ યજ્ઞ માટે રિજસ્ટ્રેશન ચાલુ છે. આ યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. યજ્ઞ કરાવનારા બ્રાહ્મણો નહીં પણ 13 વર્ષથી ઉપરની બાલિકાઓ અને બાળકો હશે જે મંત્રોચ્ચાર કરશે. મહોત્સવમાં ચાર હજારથી વધુ સ્વયંસેવકો સેવા આપશે.

સફળતા સુત્રોમાં ઈલોન મસ્કની સફર વિશે જણાવીશું
અપૂર્વમુનિ સ્વામીએ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં સંકલ્પો સાકાર કરવાના સુત્રો લોકોને જણાવશે. જેમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કના જીવન પર વ્યક્તવ્ય આપશે. સાધુ આધ્યાત્મિક જણાતો હોય તો ટેકનિકલ ન જણાતો હોય. પણ અમે આધ્યાત્મિકની સાથે ટેકનોલોજીનું પણ જ્ઞાન પીરસવાના છીએ. દીકરીઓ સુનિતા વિલિયમ્સ જેવી ટેકનોસેવી અને સીતા જેવી સંસ્કારી થાય તેવો ઉદ્દેશ અમારો છે.

જેઠાણી પરિવાર એટલે સદગૃહસ્થ પરિવાર
અપુર્વમુનિ સ્વામિએ આજકાલ ગ્રુપની સરાહના કરતા જણાવ્યું હતું કે, જેઠાણી પરિવારના મોભી ધનરાજભાઈ અને તેમના પુત્ર ચંદ્રેશભાઈ સદગૃહસ્થ વ્યક્તિત્વ છે. આજકાલ લિડિંગ અને એથિકલ અખબાર છે. ચંદ્રેશભાઈની લીડરશીપ હેઠળ ચાલતુ આજકાલ અખબાર એટલે કાંઈ ઘટે નહીં. આજકાલ બદલાતા સમય સાથે બદલાવ લાવતું રહે છે. સમાજને સુવિધિત રાખવો મીડિયાનું કામ છે જ્યારે સમાજને સુસંસ્કાર રાખવો એ સાધુનું કામ છે.

અમે સમાજને મદદ કરવા ઘર છોડ્યું
અપુર્વમુનિ સ્વામિએ જણાવ્યું હતું કે, કોરોનામાં અમે કરેલા કાર્યની લોકો એવી ચર્ચા કરતા હતા કે, સરકાર વિચાર ન કરે એ સાધુ કરી દે છે. તે સમયે અમે લોકોની મદદ માટે સેનેટાઇઝરનું આખુ કન્ટેનર મંગાવ્યું હતું. સાધુ અને ધર્મનું લક્ષ્યાંક આવું જ હોવું જોઈએ. બીજાને મારી નાખવાના વિચાર કેવી રીતે આવે. અમે 1400 જેટલા સાધુઓ છીએ. જેમાં 500-550 જેટલા તો સીએ, ડોક્ટર અને એન્જિનિયર છે. કેટલાક આદિવાસી વિસ્તારોમાંથી પણ આવે છે. અમે ઘર સમાજને મદદ કરવા માટે છોડ્યું છે. એક પણ સાધુના નામે પૈસા, બિલ્ડિંગ કે એક રૂમ પણ નથી. પ્રમુખસ્વામી મહારાજે સ્ટ્રક્ચર એટલું સુંદર બનાવ્યું છે.

આપણી પાસે ઘણું બધુ છે પણ નવી વિચારધાર નથી
અપૂર્વમુનિ સ્વામિએ રાજકોટ વિશે જણાવ્યું હતું કે, રાજકોટમાં નવું એરપોર્ટ, નવી એઈમ્સ, નવી હોસ્પિટલો, નવા રસ્તાઓ બધુ જ છે પણ આપણી પાસે નવી વિચારધારા નથી. એ તો જૂની જ રહી ગઈ. આમાં બદલાવ કરવાની ખાસ જરૂર છે. આપણે આદર કરતા ભૂલી ગયા છીએ. છૂટાછેટાનો રેશિયો 6:4નો છે. છૂટાછેટા થયા એટલે પ્રેમથી રહીએ એવું નથી. સોશિયલ મીડિયા, ગેઝેટ્સ ઇઝી થઈ ગયા છે. એકસ્ટ્રા મેરિટલ અફેર પાછળ આ બધુ કારણભૂત છે. અમારા મંદિરે દર રવિવારે 100 યુવાનો સાંજે આવે છે જ્યારે 500-700 બાળકો પણ આવે છે.