BREAKING NEWS

ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડી, 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

  • July 27, 2026 06:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રમાં મોડી શરૂ થયેલા ચોમાસાએ થોડા દિવસ પહેલાં જોરદાર બેટિંગ કરતાં સૌરાષ્ટ્ર-કચ્છના કુલ 90માંથી 88 તાલુકાઓમાં ઝાપટાથી લઈને ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. જોકે છેલ્લા બે દિવસથી વરસાદનું જોર નોંધપાત્ર રીતે મંદ પડ્યું છે. શનિવારે માત્ર 24 તાલુકામાં દોઢ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો, જ્યારે રવિવારે વરસાદનો વ્યાપ વધુ સીમિત બની માત્ર 17 તાલુકામાં ઝાપટાથી લઈને એક ઇંચ સુધી વરસાદ પડ્યો હતો.


આજે સોમવારે સવારે પણ રાજ્યના 72 તાલુકામાં મેઘપધરામણી થઈ હતી. તેમાં સૌરાષ્ટ્રના ચુડા, મુળી, બરવાળા, વલ્લભીપુરમાં અડધાથી પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે લીંબડી, માળીયા-મીયાણા, હળવદ, રાણપુર અને માંગરોળ પંથકમાં હળવા ઝાપટાં સાથે દિવસની શરૂઆત થઈ હતી.


હવામાન વિભાગ દ્વારા રવિવારે બપોરે જાહેર કરાયેલી સિનોપ્ટિક પરિસ્થિતિ મુજબ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં લો-પ્રેશર ક્ષેત્ર સક્રિય છે. બીજી તરફ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા ઉપરનું લો-પ્રેશર વધુ મજબૂત બની સુસ્પષ્ટ દબાણ ક્ષેત્રમાં પરિવર્તિત થયું છે, જેની સાથેનું સાઇક્લોનિક સર્ક્યુલેશન આશરે 9.4 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. ઉપરાંત મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ યથાવત રહેતા નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.


હવામાન વિભાગની આગાહી મુજબ 27થી 31 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મોટાભાગના દિવસોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે મહિનાના અંતિમ દિવસે કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ થોડું વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે.


સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના માત્ર 17 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તેમાં મોરબી જિલ્લાના હળવદમાં સૌથી વધુ 35 મીમી વરસાદ પડ્યો હતો. દસાડામાં 22 મીમી, ચોટીલામાં 21 મીમી, થાનગઢમાં 18 મીમી, રાજકોટ શહેરમાં 8 મીમી, બોટાદ અને રાણપુરમાં 7-7 મીમી, બરવાળામાં 5 મીમી, પાલીતાણામાં 3 મીમી તથા કચ્છના રાપરમાં 8 મીમી વરસાદ નોંધાયો હતો. અન્ય વિસ્તારોમાં માત્ર હળવા ઝાપટાંથી વાતાવરણમાં ભેજ અને વાદળછાયું વાતાવરણ યથાવત રહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application