BREAKING NEWS

રાજકોટ વિજયભાઈ રૂપાણીના સ્મરણાર્થે 13મીએ કિડની અવરનેસ સેમિનાર, 14મીએ સર્વરોગ નિદાન કેમ્પ

  • June 11, 2026 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદામાં 12 જૂન 2025ના રોજ વિમાન દુર્ઘટનાને આવતીકાલે એક વર્ષ પૂર્ણ થશે. આ દર્દનાક ઘટનામાં રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના લોકલાડીલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતું. વિજયભાઈની ખોટ આજે પણ રાજકોટ સહિત ગુજરાતમાં વર્તાઈ રહી છે. વિજયભાઈના સ્મમણાર્થે શ્રી વિજયભાઈ રૂપાણી મેમેરોરિયલ ટ્રસ્ટ અને આઇએમએ દ્વારા રાજકોટમાં 13 જુને કિડની એવરનેસ સેમિનાર અને 14 જુને વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વિજયભાઈના પુત્ર ઋષભ રૂપાણી આજકાલના આંગણે આવ્યા હતા. તેઓએ આજકાલના મેનેજીંગ એડિટર અનિલભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવા સાથે આ બંને કાર્યક્રમ અંગે ચર્ચા કરી હતી. 
 

ઋષભ રૂપાણીએ જણાવ્યું હતું કે, કિડની અવેરનેસ સેમિનારનું આયોજન પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે 13 જુન, શનિવારે સાંજે પાંચથી સાત વાગ્યે કરવામાં આવ્યું છે. જેમાં કિડની રોગનાં મુખ્ય કારણો, સ્વસ્થ રાખવાના ઉપાયો, ડાયાબિટીસ અને બ્લડ પ્રેસરની કિડની પર અસરો, કિડની ટ્રાન્સપ્લાન્ટ અંગે માર્ગદર્શન, ઓર્ગન ડોનેશનનું મહત્વ અને નાગરિકોના પ્રશ્નોના જવાબ આપવામાં આવશે. જેમાં ડો. પ્રાંજલભાઈ મોદી (દેશના જાણીતા સર્જન અને કિડની આરોગ્ય ક્ષેત્રના અગ્રણી નિષ્ણાંત), ડો. સંજયભાઈ પંડ્યા (રાજકોટના જાણીતા કિડની રોગ નિષ્ણાંત, સમાજસેવી તબીબ અને આરોગ્ય ક્ષેત્રના અનુભવી) તેઓ સ્થાનિક નાગરિકોને કિડની આરોગ્ય, જીવનશૈલી અને પ્રિવેન્ટિવ હેલ્થકેર અંગે માર્ગદર્શન આપશે.


કિડની અવેરનેસ સેમિનારનું ઉદઘાટન પુષ્ટિમાર્ગ વૈષ્ણવ સંપ્રદાય સંસ્થાના સંસ્થાપક પૂ.પા. ગૌસ્વામી ૧૦૮ શ્રી વજરાજકુમારજી મહારાજ દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહેશે. 


ઋષભ રૂપાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજના સમયમાં કિડની સંબંધિત રોગો ઝડપથી વધી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સામાન્ય નાગરિકો, દર્દીઓ અને તેમના પરિવારજનોમાં વૈજ્ઞાનિક અને વ્યવહારુ જાગૃતિ લાવવાના હેતુથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સારવારની માહિતી આપવાનો નથી. પરંતુ પ્રિવેન્ટિવ હેલ્થકેરને પ્રોત્સાહન આપીને લોકોને બીમારી પહેલાં જ સાવચેત બનાવવાનો છે.


14 જૂન, રવિવારે સવારે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી રૈયા રોડ પર હનુમાન મઢી પાસે આવેલી ન્યુ એરા સ્કૂલ ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ રાજ્યના કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને અને ડો. તેજસ કરમટાના નેતૃત્વમાં યોજાશે. સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પમાં આવનારા લોકો માટે ખાસ સૂચના આપવામાં આવી છે કે, તેઓ જૂના રિપોર્ટ અને ચાલુ દવાઓની માહિતી સાથે લાવે. તેમજ સંસ્થા દ્વારા વહેલા આવવા વિનંતી કરવામાં આવી છે.


આ બંને કાર્યક્રમોમાં મુખ્ય મહેમાનો તરીકે સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા તેમજ અતિથી વિશેષ તરીકે રામભાઈ મોકરીયા (સાંસદ, રાજ્યસભા), ભાનુબેન બાબરિયા (ધારાસભ્ય, રાજકોટ) ઉદયભાઈ કાનગડ (ધારાસભ્ય, રાજકોટ), રમેશભાઈ ટીલાળા (ધારાસભ્ય, રાજકોટ), ડૉ. દર્શિતાબેન શાહ (ધારાસભ્ય, રાજકોટ), માધવભાઈ દવે (રાજકોટ શહેર ભાજપ પ્રમુખ) નેહલભાઈ શુક્લ (મેયર, રાજકોટ) સહિત રાજકોટ મનપાના પદાધિકારીઓ હાજરી આપશે.


વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપવા 'સેવા વર્ષ- 2026'નું આયોજન

ઋષભ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના લોકલાડીલા પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના અવસાનને એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેમની પાવન સ્મૃતિને સાચી શ્રદ્ધાંજલિ સ્વરૂપે સ્થાપિત શ્રી વિજય રૂપાણી મેમોરીયલ દ્વારા સમગ્ર વર્ષને 'સેવા વર્ષ- 2026' તરીકે ઉજવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ સેવા વર્ષના પ્રથમ અને અત્યંત મહત્વપૂર્ણ કાર્યક્રમ તરીકે શ્રી વિજય રૂપાણી મેમોરિયલ તથા આઇએમએ- રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજકોટ તથા સમગ્ર સૌરાષ્ટ્રના નાગરિકો માટે વિશાળ કિડની અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેવા વર્ષ દરમિયાન આરોગ્ય, શિક્ષણ, યુવા વિકાસ, મહિલા સશક્તિકરણ, સ્વરોજગાર, કૌશલ્ય વિકાસ, પર્યાવરણ, સામાજિક જાગૃતિ અને જનકલ્યાણના વિવિધ કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં આયોજિત કરવામાં આવશે.


સર્વરોગ નિદાન કેમ્પમાં શહેરના નિષ્ણાંત ડોક્ટરો સેવા આપશે

સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પમાં સર્જરી વિભાગમાં ડો. પ્રકાશ મોઢા (ન્યૂરો અને સ્પાઈન સર્જન), ડો. કાંત જોગાણી (ન્યૂરો અને સ્પાઈન સર્જન), ડો. વિરલ વરસાણી (ન્યૂરો અને સ્પાઈન સર્જન), ડો. જીતેન્દ્ર અમલાણી (યુરો સર્જન), ડો. કાર્તિક સુતરીયા (ગેસ્ટ્રો સર્જન) અને ડો. જીગ્નેશ ભીમાણી (જનરલ સર્જન) સેવા આપશે. સ્ત્રી રોગ વિભાગમાં ડો. પ્રતિમાબેન પરીખ, ડો. દર્શનાબેન પંડયા, ડો. તારાબેન ગાંધી અને ડો. અલ્પા સોલંકી વાઢીયા સેવા આપશે. એમડી વિભાગમાં ડો. અમિત હાપાણી, ડો. મયંક ઠક્કર, ડો. જયેશ ડોબરીયા, ડો. સંકલ્પ વણઝારા અને ડો. તેજસ કરમટા સેવા આપશે. ઓર્થોપેડિક વિભાગમાં ડો. કેતન ઠક્કર, ડો. ભાવેશ સચદે અને ડો. કલ્પેશ બજાણિયા સેવા આપશે. ચામડીના રોગ વિભાગમાં ડો. ચેતન લાલસેતા, ડો. ભરત ટાંક અને ડો. પાયલ ટાંક સેવા આપશે. કાન-નાક-ગળા વિભાગમાં ડો. જતિન મોદી, ડો. નીરવ મોદી, ડો. યશ કાકડિયા અને ડો. વૈભવ હાપલિયા સેવા આપશે. બાળ રોગ વિભાગમાં ડો. નીરવ કરમટા, ડો. કૃણાલ આહ્યા અને ડો. સવન વામજા સેવા આપશે.


વિજયભાઈનું સમગ્ર જીવન સમાજસેવા, વિકાસ,  સંવેદના અને જનકલ્યાણ માટે સમર્પિત રહ્યું હતું

ઋષભ રૂપાણીએ જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીનું સમગ્ર જીવન સમાજસેવા, વિકાસ, સંવેદના અને જનકલ્યાણ માટે સમર્પિત રહ્યું હતું. વિજયભાઈનું માનવું હતું કે વિકાસ અને સુવિધાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચવી જોઈએ. વિજયભાઈના આ જ સેવા અને વિકાસના વિચારોને આગળ વધારવા માટે શ્રી વિજયભાઈ રૂપાણી મેમોરિયલની સ્થાપના કરવામાં આવી છે. મેમોરિયલનું ધ્યેય માત્ર સ્મૃતિ જાળવવાનું નથી, પરંતુ શિક્ષણ, આરોગ્ય, રોજગાર, કૌશલ્ય વિકાસ અને સમાજ વિકાસના ક્ષેત્રોમાં અસરકારક કાર્ય કરીને લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવાનું છે.


વિજયભાઈનું જીવન લોકોની સેવા માટે સમર્પિત હતુંઃ અંજલીબેન

વિજય રૂપાણી મેમોરિયલના ફાઉન્ડર ચેરપર્સન અંજલીબેન રૂપાણીએ જણાવ્યું છે કે, સ્વ. વિજયભાઈ રૂપાણીનું સમગ્ર જીવન લોકોની સેવા માટે સમર્પિત હતું. તેમની સ્મૃતિને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે અમે સમગ્ર વર્ષને સેવા વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ. અમારો પ્રયાસ માત્ર કાર્યક્રમો કરવાનો નથી. પરંતુ લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો છે. કિડની અવેરનેસ સેમિનાર સમાજમાં આરોગ્ય જાગૃતિ માટેનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને હજારો પરિવારોને ઉપયોગી માર્ગદર્શન મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application