દેશભરમાં ચકચારી બનેલા NEET-UG પેપર લીક વિવાદ બાદ, આજે રવિવારે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ કડક સુરક્ષા અને ચુસ્ત વ્યવસ્થા વચ્ચે ૨૧૧ કેન્દ્રો પર NEET ની પરીક્ષા ફરીથી યોજાઈ હતી. બપોરે ૨:૦૦ વાગ્યે શરૂ થયેલી આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સવારે ૧૧:૦૦ થી બપોરે ૧:૩૦ વાગ્યા સુધી સઘન ચેકિંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું. જો કે, આ કડક સુરક્ષા અને નિયમો વચ્ચે અમદાવાદની જાણીતી આર. જે. ટિબ્રવાલ કોલેજ પરીક્ષા કેન્દ્ર ખાતે ડ્રેસકોડ તેમજ ધાર્મિક પ્રતીકોને લઈને એક મોટો વિવાદ ફાટી નીકળ્યો હતો, જેણે થોડી જ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ડ્રેસકોડ ગાઈડલાઈનના પક્ષપાતી પાલનનો આક્ષેપ, વાલીઓનો ઉગ્ર વિરોધ
પરીક્ષા કેન્દ્ર પર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે વિદ્યાર્થિનીઓના હિજાબ અને અન્ય વિદ્યાર્થીઓના ગળામાં પહેરેલી કંઠી કે હાથમાં બાંધેલા ધાર્મિક દોરા-ધાગા બાબતે તપાસ કરવામાં આવી. કેટલાક હિન્દુ સંગઠનો અને વાલીઓએ પરીક્ષા કેન્દ્રના સત્તાધીશો પર ગાઈડલાઈનનું પક્ષપાતી પાલન કરાવવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. વાલીઓએ રોષે ભરાઈને જણાવ્યું હતું કે, સત્તાવાર નિયમો મુજબ હિન્દુ વિદ્યાર્થીઓની ગળાની પવિત્ર કંઠી, હાથના રક્ષા દોરા અને મેટલની તમામ વસ્તુઓ ઉતરાવીને જ તેમને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ, અન્ય વિદ્યાર્થિનીઓને હિજાબ સાથે અંદર કેમ જવા દેવાઈ? એટલું જ નહીં, મુસ્લિમ વિદ્યાર્થિનીઓ અંદર જતી રહી હોવા છતાં તેમને ખાસ બહાર બોલાવીને ફરીથી હિજાબ પહેરાવી અંદર મોકલવામાં આવી હોવાનો વિરોધાભાસી આક્ષેપ પણ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
VHP અને AIMIM ના કાર્યકરો આમને-સામને: કેમ્પસમાં સર્જાયા ઝપાઝપીના દ્રશ્યો
ધાર્મિક પ્રતીકો અને હિજાબ મામલે શરૂ થયેલા આ વિવાદની જાણ વાયુવેગે ફેલાતા જ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં આર. જે. ટિબ્રવાલ કોલેજ કેમ્પસ ખાતે એકઠા થઈ ગયા હતા. પરીક્ષા કેન્દ્રની બહાર જ બંને પક્ષોના કાર્યકરો વચ્ચે જોરદાર હંગામો અને શાબ્દિક યુદ્ધ શરૂ થયું હતું. જોતજોતામાં મામલો એટલો બિચક્યો હતો કે બંને જૂથો વચ્ચે સામસામે ઘર્ષણ અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. આ અણધારી અફરાતફરીને કારણે પરીક્ષા આપવા આવેલા અન્ય વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં પણ ભારે ભય અને ચિંતાનો માહોલ પ્રસરી ગયો હતો.
ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે: ૩ પ્રદર્શનકારીઓની અટકાયત
કોલેજ પરિસરમાં સ્થિતિ વધુ વણસે અને અનિચ્છનીય ઘટના ઘટે તે પહેલાં જ એસીપી (ACP) સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક અસરથી બંને પક્ષના કાર્યકરોને અલગ પાડી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. કેન્દ્રની બહાર હંગામો અને વિરોધ પ્રદર્શન કરી રહેલા સંગઠનના કાર્યકરોને વિખેરી નાખવામાં આવ્યા હતા અને નિયમભંગ તેમજ કાયદો-વ્યવસ્થા ખોરવવાનો પ્રયાસ કરવા બદલ ૩ વ્યક્તિઓની ઘટનાસ્થળેથી અટકાયત કરવામાં આવી હતી.
સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ, અફવાઓથી દૂર રહેવા પોલીસની અપીલ
આ હિંસક અફરાતફરી બાદ, પરીક્ષા કેન્દ્ર પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વધારાની પોલીસ કુમક અને ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. હાલમાં પરીક્ષા કેન્દ્ર અને તેની આસપાસની સ્થિતિ સંપૂર્ણપણે શાંત અને નિયંત્રણ હેઠળ છે. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી આ પરીક્ષા પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો અવરોધ કે અડચણ સહન કરવામાં નહીં આવે. આ સાથે જ પોલીસે સામાન્ય જનતાને સોશિયલ મીડિયા પર વહેતી થતી ભડકાઉ અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને શહેરમાં શાંતિ તેમજ સદભાવ જાળવી રાખવા માટે ખાસ અપીલ કરી છે.