BREAKING NEWS

ગીર ઈકો-સેન્સિટિવ ઝોનમાં કોમર્શિયલ બાંધકામ કરવા મુદ્દે હાઈકોર્ટની લાલ આંખ

  • June 18, 2026 06:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ગીર અભયારણ્યમાં ઈકો-સેન્સિટિવ ઝોનમાં થઈ રહેલા હોટેલ, રિસોર્ટ અને હોમ-સ્ટે જેવા કોમર્શિયલ બાંધકામોને લઈને ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે આ મામલે સુઓમોટો દાખલ કરીને રાજ્ય સરકારને મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે.


કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, એશિયાટિક સિંહો એ આપણા સૌનું ગૌરવ છે અને ગીર તેમનું એકમાત્ર રહેઠાણ છે. ઈકો-સેન્સિટિવ ઝોનમાં પ્રવાસીઓની વધુ પડતી અવરજવરને કારણે વન્યજીવોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થઈ રહ્યું છે. કોર્ટે સૂચન કર્યું હતું કે, પર્યટકોને ગીરની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ, પરંતુ તેમના રહેઠાણની વ્યવસ્થા અભયારણ્યના 'બફર ઝોન'ની બહાર કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે.


હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે, પ્રવાસીઓ જે રીતે ઓનલાઇન બુકિંગ કરી રહ્યા છે, તેમાં પર્યટન સ્થળોની સાથે સાથે સિંહોના સંરક્ષણ અંગેની જાગૃતિ પણ હોવી જોઈએ. કોર્ટે એવી ટકોર કરી હતી કે, ઓનલાઇન બુકિંગ સાઇટ્સને એવી સૂચના આપવામાં આવે કે તેઓ પ્રવાસીઓને અભયારણ્યની અંદરના વિસ્તારોમાં રહેવા માટે પ્રોત્સાહિત ન કરે.


સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકારને તાકીદ કરી હતી કે, પ્રવાસીઓ માટે બફર ઝોનની બહાર રહેઠાણની સુવિધા ઊભી કરવા માટે એક સર્વગ્રાહી યોજના તૈયાર કરવી જોઈએ. જો જરૂર પડે તો, સરકાર આ માટે વિશેષ પ્રોત્સાહક યોજનાઓ પણ બનાવી શકે છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, હોટેલ કે રિસોર્ટ જેવી પ્રવૃત્તિઓથી વેસ્ટ મેનેજમેન્ટની સમસ્યા સર્જાય છે, જે સીધી રીતે જ સિંહો અને અન્ય વન્યજીવોને અસર કરે છે.


કોર્ટે કોર્બેટ નેશનલ પાર્કનું ઉદાહરણ આપતા કહ્યું કે, જે રીતે ત્યાં વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે, તે જ રીતે ગીરમાં પણ ફોરેસ્ટ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત મીટિંગ યોજીને સિંહોના સંરક્ષણને અગ્રતા આપવી જોઈએ. આગામી દિવસોમાં આ મામલે કોર્ટ દ્વારા વધુ સ્પષ્ટ નિર્દેશો સાથે આદેશ આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application