BREAKING NEWS

બંગાળની ખાડીમાં સિસ્ટમ મંડરાતા વરસાદનો નવો રાઉન્ડઃ 30 જુલાઈથી સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જશે

  • July 26, 2026 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વધુ એક જોરદાર વરસાદી રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાનારી નવી સક્રિય સિસ્ટમના કારણે આગામી ૩૦ જુલાઈથી ૧ ઓગસ્ટ દરમિયાન રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઉપરાંત, આજે અને આવતીકાલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગ દ્વારા 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, અગાઉ રાજસ્થાનમાં બનેલી લો-પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાતમાં વ્યાપક વરસાદ નોંધાયો હતો. હવે આગામી અઠવાડિયે બંગાળની ખાડીમાં એક 'વેલમાર્ક્ડ લો-પ્રેશર' સિસ્ટમ આકાર લેવાની પૂરેપૂરી શક્યતા છે, જેની અસર ૩૦ જુલાઈથી ગુજરાત પર જોવા મળશે. આ નવી સિસ્ટમની અસર હેઠળ ૩૦ જુલાઈના રોજ છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં મુશળધાર વરસાદ પડી શકે છે. જ્યારે ૩૧ જુલાઈ અને ૧ ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં કેસોટોકે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.​​​​​​​


સીઝનનો ૧૨% વધુ વરસાદ અને યલો એલર્ટ

હવામાન વિભાગ અનુસાર, આવતીકાલે (૨૭ જુલાઈ) ઉત્તર ગુજરાતના વાવ-થરાદ અને પાટણ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા અને છોટાઉદેપુર સહિતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. આંકડાઓ પર નજર કરીએ તો, ચાલુ વર્ષે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો એકંદરે સામાન્ય કરતાં ૧૨ ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં સામાન્ય સરેરાશ કરતાં ૪૫ ટકા જેટલો વધુ વરસાદ નોંધાયો છે, જેનાથી જળાશયોમાં પાણીની આવક વધી છે.


૩૫૭ રસ્તાઓ બંધ અને એસ.ટી. નિગમને લાખોનું નુકસાન

ભારે વરસાદના પરિણામે રાજ્યમાં જનજીવન અને વાહનવ્યવહાર પર માઠી અસર પહોંચી છે. રાજ્યભરમાં જળબંબાકાર અને રસ્તા ધોવાઈ જવાના કારણે કુલ ૩૫૭ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. આ બંધ રસ્તાઓમાં ૨૨ સ્ટેટ હાઈવે, ૨ નેશનલ હાઈવે (અમદાવાદ અને સુરત), ૩૫ અન્ય મુખ્ય માર્ગો અને ૨૭૮ પંચાયત ગ્રામીણ રસ્તાઓનો સમાવેશ થાય છે.

બીજી તરફ, રસ્તાઓ બંધ થતાં ગુજરાત એસ.ટી. નિગમ (GSRTC) ની સેવાઓ પણ ખોરવાઈ છે. સલામતીના ભાગરૂપે એસ.ટી. નિગમ દ્વારા કુલ ૧,૩૦૯ ટ્રીપો રદ કરવામાં આવી છે, જેના કારણે નિગમને આશરે રૂ. ૩૬.૦૯ લાખથી વધુની દૈનિક આવકનું નુકસાન વેઠવું પડ્યું છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application