ગાંધીનગર સ્થિત રાજ્યની મહત્વકાંક્ષી ઇન્ફોસિટી યોજના વિકસાવનાર ક્રિએટિવ ઇન્ફોસિટી લિમિટેડની લીઝ 2030 પછી લંબાવવામાં નહીં આવે તેવો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકારે લીધો છે. આ નિર્ણય બાદ 116 એકર વિસ્તારમાં ફેલાયેલા ઇન્ફોસિટી કેમ્પસનો કબજો સરકાર ફરી પોતાના હાથમાં લેશે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની દ્વારા કન્સેશન અને લીઝ કરારની અનેક શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સરકારનું માનવું છે. તેથી લીઝ વધારવાનો કોઈ આધાર નથી. જોકે હાલની 30 વર્ષની લીઝ જુલાઈ 2030માં પૂર્ણ થવાની છે, તેમ છતાં વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગે અત્યારથી જ જમીન અને પ્રોજેક્ટની સંપત્તિ પરત મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઓગસ્ટ 2008માં જ સરકારે કંપનીને કરાર સમાપ્ત કરવાની નોટિસ આપી હતી, પરંતુ ત્યારબાદ મામલો આર્બિટ્રેશનમાં જતાં વર્ષોથી કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે.
સરકાર કરારની જોગવાઈ મુજબ કંપનીએ ઊભા કરેલા બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વળતર આપશે. આ વળતર સંપત્તિના ઘટાડેલા (ડિપ્રિશિયેટેડ) મૂલ્યના આધારે નક્કી કરવામાં આવશે. જોકે સૂત્રોનું કહેવું છે કે કંપનીએ કરેલા કરારભંગને કારણે સરકારને થયેલા નુકસાનની સરખામણીએ આ વળતર ઘણી ઓછી રકમ હશે.
ઇન્ફોસિટી પ્રોજેક્ટની કલ્પના ગુજરાતના પ્રથમ એકીકૃત આઈટી ટાઉનશિપ તરીકે કરવામાં આવી હતી, જેથી અદ્યતન સુવિધાઓ સાથે દેશ-વિદેશની આઈટી અને ટેક્નોલોજી કંપનીઓને આકર્ષી શકાય. આ પ્રોજેક્ટ માટે પીડબલ્યુસી દ્વારા પ્રી-ફિઝિબિલિટી સ્ટડી કરવામાં આવી હતી, જ્યારે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ અમલીકરણ માટેની નોડલ એજન્સી હતી. ગીલ અને ક્રિએટિવ ઇન્ફોસિટી લિમિટેડ વચ્ચે 1 ઓગસ્ટ, 2000ના રોજ કન્સેશન એગ્રીમેન્ટ થયો હતો અને ફેબ્રુઆરી 2001માં 116 એકર જમીનની માસ્ટર લીઝ આપવામાં આવી હતી.
સરકારે કંપની સામે અનેક ગંભીર ઉલ્લંઘનોના આરોપ લગાવ્યા છે. તેમાં 39 એકરથી વધુ જમીનનો વ્યાપારી ઉપયોગ, મંજૂર કરાયેલા લેન્ડ યુઝ પ્લાનનો ભંગ, બાંધકામ સમયપત્રકમાં વિલંબ, ડેવલપમેન્ટ સિક્યોરિટી ન આપવી, સરકાર સાથેની આવક વહેંચણીમાં વિવાદ, ઇન્ફોસિટીની મિલકતોનું સીધું વેચાણ, વિકાસ ખર્ચની ચુકવણી ન કરવી તેમજ સ્વતંત્ર એન્જિનિયર અને ઓડિટરની નિમણૂક ન કરવી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
જ્યારે ઇન્ફોસિટી પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે તે ગાંધીનગર શહેરની બહારના વિસ્તારમાં હતો, પરંતુ છેલ્લા બે દાયકામાં શહેરના વિસ્તરણને કારણે આજે આ આઈટી હબ શહેરના મધ્ય વિસ્તારમાં આવી ગયો છે. હવે 2030 પછી ઇન્ફોસિટીનું સંચાલન અને નિયંત્રણ ફરીથી ગુજરાત સરકારના હાથમાં આવવાની શક્યતા છે.