ગુજરાતને દેશના 'ડેસ્ટિનેશન વેડિંગ' ના સૌથી આકર્ષક કેન્દ્ર તરીકે વિકસાવવા માટે પ્રવાસન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કવાયત હાથ ધરવામાં આવી છે. ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ દ્વારા રાજ્યના ૧૦ વિશિષ્ટ સ્થળોની પસંદગી કરવામાં આવી છે, જ્યાં હવે શાહી લગ્ન સમારોહ યોજાઈ શકશે.
આ પહેલની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી થઈ છે. દોઢ મહિના પહેલા, ૧૧મી મેના રોજ વડોદરામાં સરદારધામ-ઉનાના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાને વિદેશમાં લગ્ન કરવાને બદલે ગુજરાતમાં, ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લગ્ન આયોજિત કરવા માટે આહવાન કર્યું હતું. વડાપ્રધાનના આ સૂચન બાદ ટીસીજીએલએ તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરી હતી.
ટીસીજીએલ દ્વારા જે ૧૦ સ્થળોને ડેસ્ટિનેશન વેડિંગ માટે અલગ તારવવામાં આવ્યા છે, તેમાં વિવિધતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ યાદીમાં,માધવપુર બીચ (પોરબંદર) કૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહસ્થળ તરીકે પ્રખ્યાત છે.સફેદ રણ (ધોરડો, કચ્છ) - પ્રી-વેડિંગ શૂટિંગ અને અનોખા અનુભવ માટે,સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા).દ્વારકા - દરિયાકાંઠાના સાંસ્કૃતિક વાતાવરણ માટે,સોમનાથ - કોરિડોર બાદ નવા ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવશે.
જામનગરમાં રાજસ્થાન જેવો શાહી માહોલ, પાવાગઢ શક્તિપીઠ પરિસર - કુદરતી વનરાજીની વચ્ચે લગ્નની ઉજવણી કરી શકાશે રાજસ્થાન અને ગોવા હાલ ડેસ્ટિનેશન વેડિંગ માટે જાણીતા છે, પરંતુ હવે ગુજરાત પણ આ સ્પર્ધામાં સામેલ થયું છે.
રાજસ્થાનમાં વાર્ષિક રૂ. ૧૫૦૦ કરોડનું વેડિંગ બિઝનેસ માર્કેટ છે. ગુજરાતનો ઉદ્દેશ્ય પણ આવા જ મોટા પાયે આયોજન કરીને સ્થાનિક રોજગારી વધારવાનો છે. આ પ્રોજેક્ટ માટે ટીસીજીએલ દ્વારા ખાનગી એન્જન્સીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ એજન્સીઓ હોટલ, રિસોર્ટ, પરિવહન, ઇવેન્ટ મેનેજમેન્ટ, કેટરિંગ અને સ્થાનિક કલાકારોને જોડીને ખાસ પેકેજ તૈયાર કરશે, જેનાથી સ્થાનિક વ્યવસાયોને નવી ઓળખ મળશે.
ડિસેમ્બર મહિના પહેલા આ પ્રોજેક્ટનું સઘન માર્કેટિંગ કરીને ગુજરાતને વેડિંગ ટુરિઝમના નકશા પર અગ્રસ્થાને લાવવાનું લક્ષ્ય પ્રવાસન વિભાગ દ્વારા રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.