અમદાવાદમાં સ્પિનિંગ મિલની ચાલીમાં રહેતા રોહિત પટણી નામના યુવકે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂકાવી હતી. તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં યુવકો બેટ-બોલ સાથે જોડાયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ અંતિમયાત્રામાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા. તેમજ અંતિમવિધિમાં 100 જેટલા મિત્રોએ 100 બેટ હોમી દઈને મિત્રોએ ક્યારેય ક્રિકેટ ન રમવાનો પણ નિર્ણય કર્યો હતો.
રોહિત ક્રિકેટનો ખૂબ જ મોટો ફેન હતો, તેના મિત્રો દ્વારા પણ જાણવા મળ્યું હતું કે રોહિત સારો બોલર હતો. આથી તેના મિત્રો દ્વારા જ આ નક્કી કરવામાં આવ્યું હતું કે, તેની અંતિમયાત્રામાં બધા લોકો બેટ અને બોલ સાથે જોડાશે. તેની આ અંતિમયાત્રા જોઈને લાગી રહ્યું હતું કે, તે આસપાસ રહેતા લોકોમાં પણ ખૂબ જ ફેમસ હશે. સગા સંબંધીઓ અને મિત્રોમાં પોપ્યુલર એવા રોહિતની અંતિમયાત્રા ઢોલ વગાડતા વગાડતા બેટ અને બોલ સાથે કાઢવામાં આવી હતી.
આ દરમિયાન ઘણા મિત્રોએ અર્થી પર ઉતારીને ઢોલીને પણ ખૂબ પૈસા આપ્યા હતા. સમગ્ર માહોલ ગમગમીન થઈ ગયો હતો અને સૌ કોઈની આંખોમાં આંસુ હતા, ભારે હ્રદયે એક જ સવાલ થઈ રહ્યો હતો કે, રોહિતને એવું તો શું દુઃખ આવી પડ્યું કે, ભરયુવાનીમાં જ જીવનલીલા સંકેલી લેવી પડી?, કેમ જિંદગીની અધૂરી ઇનિંગ છોડીને અનંતયાત્રાએ નીકળવું પડ્યું?.
ક્રિકેટ માટે ફના થઈ જવા તૈયાર એવા રોહિત પટણીની જિંદગીનો આ રીતે અંત આવશે તેની કોઈએ સપનામાં પણ કલ્પના કરી નહોતી. રોહિતના પરિવારમાં માતા-પિતા અને કુલ પાંચ ભાઈ છે. જેમાં રોહિત સૌથી નાનો ભાઈ હતો. 25 વર્ષીય રોહિત એક પ્લાસ્ટિકની કંપનીમાં નોકરી કરતો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી તે ડિપ્રેશનમાં હોય તેવું લાગી આવ્યું હતું. 17 જૂનના રોજ તેણે પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. જે સમયે આત્મહત્યા કરી તે વખતે તેના ઘરમાં કોઈ હાજર નહોતું.
રોહિત વહેલી સવારે નોકરીએ ગયો અને 11 વાગ્યાની આસપાસ ઘરે આવી ગયો ત્યારે તે આરામ કરવા માટે બીજા ઘરે ગયો હતો. એ સમયે તેના ભાભી આરતીબેન જમવા માટે બોલાવવા માટે ગયા ત્યારે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ દરવાજો ખુલ્યો ન હતો. તેઓએ ધક્કા મારીને દરવાજો ખોલ્યો અને ત્યારે રોહિતને દોરડું બાંધીને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.