BREAKING NEWS

રાજકોટના પૂર્વ મેયર-ભાજપના દિગ્ગજ નેતા જનકભાઈ કોટકનું નિધન; સાંજે અંતિમયાત્રા, જાણો કેવી રહી તેમની રાજકીય કારકિર્દી

  • June 15, 2026 05:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના પૂર્વ મેયર, ભાજપના દિગ્ગજ નેતા જનકભાઈ કોટક (ઉ.વ.૮૦)ને ગત મધરાતે હાર્ટ અટેક આવી જતા દુઃખદ નિધન થયું છે.


જનસંઘના સ્થાપકમાંના એક તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આજીવન સ્વયં સેવક અને ભાજપના દિગ્ગજ નેતાની ચીર વિદાયથી રાજકોટમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે. છેલ્લા થોડા દિવસથી કિડની અને લિવરમાં સોજાને કારણે તબિયત નાદુરસ્ત થતા તેમને પંચનાથ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા, જ્યાં આગળ ગત મધરાતે આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો હતો.


રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને ભાજપના પીઢ નેતા જનકભાઇ કોટકનો જન્મ તા.૬-૬-૧૯૪૭ના રોજ થયો હતો, જનકભાઇના પિતા મોરારજીભાઇ કોટક ધર્મેન્દ્ર રોડના સુપ્રસિધ્ધ વેપારી મહાજન હતા અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અગ્રણી હતા, આમ જનકભાઇને સંઘ અને ભાજપના સંસ્કારો ગળથુંથીમાં જ મળ્યા હતા. દેશમાં કટોકટી લાગુ કરાઇ ત્યારે જનકભાઇની મિસા હેઠળ ધરપકડ કરાઇ હતી અને તેમણે બે મહિના જેલવાસ ભોગવ્યો હતો. રામજન્મભૂમિ આંદોલનમાં કાર સેવક તરીકે સેવા આપી હતી અને અયોધ્યામાં મુકામ કર્યો હતો. જનકભાઇ કોટક જંક્શન પ્લોટ વિસ્તારમાંથી ૧૯૭૫થી ૨૦૧૫ સુધી સળંગ આઠ ટર્મ (૪૦ વર્ષ સુધી) જંગી બહુમતીથી કોર્પોરેટર પદે ચૂંટાઇ સમયાંતરે મહાપાલિકાના શાસક પક્ષના નેતા, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, ડેપ્યુટી મેયર અને મેયર પદે લોકસેવા કરી હતી. ૨૦૧૫ સુધી તેઓ કોર્પોરેટર પદે કાર્યરત હતા. ત્યારબાદ તેઓ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્ય હતા.રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં ૧૯૭૫થી પ્રવૃત અને સંઘના તૃતીય વર્ષ શિક્ષિત જનકભાઇ કોટકે આજથી નવ દિવસ પૂર્વે જ તા.૬ જૂને સંઘની બેડી નાકા પ્રાત: શાખા ખાતે સ્વયં સેવકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી જે અંતિમ બની રહી હતી.


જનકભાઇ કોટકના નિધનથી રાજકોટના રાજકારણ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વને મોટી ખોટ પડી છે. તેમના નિધનથી રાજકીય વર્તુળો સહિત સમગ્ર રઘુવંશી સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. તાજેતરમાં યોજાયેલી રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં તેમણે ભાજપ માટે સંકટમોચકની ભૂમિકા ભજવી હતી.જનકભાઇ કોટક માત્ર પક્ષના નેતા નહોતા, પરંતુ રઘુવંશી સમાજનો એક મજબૂત અવાજ હતા. તાજેતરમાં જ યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન જ્યારે રઘુવંશી સમાજમાં નારાજગી જોવા મળી હતી, ત્યારે પક્ષ દ્વારા મામલો થાળે પાડવા અને સમાજને સમજાવવાની મહત્વની જવાબદારી જનકભાઇ કોટક સહિતના આગેવાનોને સોંપાઈ હતી. તેમણે સફળતાપૂર્વક ભાજપ સમર્થિત રઘુવંશી સમાજનું એક મોટું સંમેલન પણ યોજ્યું હતું.

જીવનના અંતિમ દિવસો સુધી પક્ષ અને સમાજ માટે સક્રિય રહેલા જનકભાઈ કોટકે હજુ તાજેતરમાં જ પોતાનો ૮૦મો જન્મદિવસ ઉજવ્યો હતો. રાજકોટના નવનિયુક્ત મેયર ડો.નેહલભાઇ શુક્લ અને શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઇ દવે સહિતના અગ્રણી નેતાઓ ખાસ તેમના નિવાસસ્થાને રૂબરૂ ગયા હતા અને તેમને જન્મદિવસની ભાવભરી શુભેચ્છાઓ પાઠવી શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.

જનકભાઈ કોટક (ઉ.વ.૮૦) તે. સ્વ.મોરારજી કેશવજી કોટક ( કરાંચી વાળા) ના પુત્ર તે નિર્મળાબેનના પતિ , તે પ્રતાપભાઈ (પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર ભાજપ)ના મોટા ભાઈ તે રાજેશભાઈ તથા અમિતભાઈના પિતા, શ્રીજીચરણ પામેલ છે, તેમની અંતિમયાત્રા આજરોજ તા.૧૫ને સોમવારે સાંજે ચાર કલાકે તેમના નિવાસ્થાને બાલકૃષ્ણ એપાર્ટમેન્ટ, બેડીનાકા ટાવરની અંદર રાજકોટ ખાતેથી નિકળી રામનાથપરા મોક્ષધામ જશે.

આજકાલ દૈનિક પરિવાર સાથે વર્ષોથી પારિવારિક નાતો ધરાવતા જનકભાઇ કોટક આજકાલ દૈનિક આયોજિત અનેક ઇવેન્ટ્સમાં અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ તેમનું નિધન થતા આજકાલ દૈનિક પરિવારે શ્રધ્ધાંજલી પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application