ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને સંઘ પ્રદેશ દીવ, દમણ, દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની ભાવનાબેનનું અવસાન થતા પરિવાર શોકગ્રસ્ત બન્યો છે. ભાવનાબેન બીમારી સબબ મુંબઈ ખાતે સારવાર હેઠળ હતા. જોકે સારવાર કારગત ન નીવડતા તેઓએ આજે અંતિમ શ્વાસ લીધા હતા.
ભાવનાબેનની અંતિમયાત્રા આજે સાંજે 4.30 વાગ્યે તેમના હિંમતનગર ખાતે આવેલા નિવાસસ્થાન 5, શ્યામલ બંગલો, બેરણા રોડ, મહાવિરનગર ખાતેથી નીકળશે.
ભાવનાબેનના અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ સમગ્ર દેશના રાજકીય, સામાજિક અને વહીવટી વર્તુળોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. વર્ષોથી સામાજિક અને કૌટુંબિક સ્તરે સક્રિય એવા ભાવનાબેનના નિધનથી પટેલ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દેશભરના અગ્રણી નેતાઓ, ઉચ્ચ અધિકારીઓ અને શુભેચ્છકો દ્વારા પ્રફુલભાઈ પટેલ અને તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી વિગતો અનુસાર, ભાવનાબેન પટેલના પાર્થિવ દેહને આજે બપોર પછી ખાસ ચાર્ટર વિમાન મારફતે દીવ-દમણથી અમદાવાદ લાવવામાં આવશે. અમદાવાદ ખાતે તેમનો પાર્થિવ દેહ લાવ્યા બાદ, પરિવારજનો, સ્નેહીજનો, રાજકીય અગ્રણીઓ અને શુભેચ્છકો માટે અંતિમ દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. આ દુઃખની ઘડીમાં પ્રફુલભાઈ પટેલના નિવાસ્થાન પર સાંત્વના પાઠવવા માટે રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ આવશે.
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
ભાવનાબેન પટેલના અવસાન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર શોક સંદેશ પાઠવતા લખ્યું કે, સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલના અવસાનના સમાચારથી અત્યંત દુઃખ થયું છે. વર્ષોથી આ પરિવાર સાથે મારો ઘણો નિકટનો પરિચય અને ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. આ કઠિન અને દુઃખની ઘડીમાં હું તમામ પરિવારજનોને હૃદયપૂર્વક સાંત્વના પાઠવું છું અને પરમાત્મા સ્વર્ગસ્થ આત્માને શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરું છું.
પ્રફુલભાઈ પટેલનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેનો સંબંધ ખૂબ જ જૂનો અને અતૂટ છે. ઉત્તર ગુજરાતના વરિષ્ઠ નેતાઓના જણાવ્યા અનુસાર, પ્રફુલભાઈ પટેલને રાતોરાત રાજકારણમાં આ સ્થાન મળ્યું ન હતું. તેમના પિતા ખોડાભાઈ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં લાંબા સમય સુધી સક્રિય રહ્યા હતા અને તે સમયથી જ નરેન્દ્ર મોદીનો તેમના પરિવાર સાથે પારિવારિક ઘરોબો અને ગાઢ સંબંધ હતો.
પ્રફુલભાઈ પટેલે વર્ષ 2007ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન સાબરકાંઠાની હિંમતનગર બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ અને ધુરંધર ઉમેદવાર સી. કે. પટેલને પરાજય આપીને સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ પ્રથમ વખત જ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
વર્ષ 2010ની આસપાસ જ્યારે ગુજરાત સરકાર ભારે રાજકીય કટોકટીમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે પ્રફુલભાઈ પટેલ સરકારના મુખ્ય સંકટમોચક તરીકે ઉભરી આવ્યા હતા. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના વિવાદને કારણે તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી અમિત શાહને કોર્ટના આદેશથી ગુજરાતની બહાર (તડીપાર) રહેવું પડ્યું હતું. તે સમયે નરેન્દ્ર મોદી સરકાર પર વિપક્ષો તરફથી ભારે આફત અને દબાણ આવી પડ્યું હતું.
આવા અત્યંત સંવેદનશીલ અને મુશ્કેલ સમયમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમિત શાહના અનુગામી તરીકે પ્રફુલભાઈ પટેલ પર ભરોસો મૂક્યો હતો. વર્ષ 2010થી 2012 દરમિયાન તેમને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રફુલભાઈ પટેલની સૌથી મોટી સિદ્ધિ એ હતી કે તેઓ માત્ર પ્રથમ ટર્મના ધારાસભ્ય હોવા છતાં તેમની વહીવટી કુશળતાને કારણે તેમને સીધું જ ગૃહ મંત્રાલય સોંપાયું હતું. તે સમયે એન્કાઉન્ટર વિવાદમાં તેમણે સરકાર વતી કુશળતાપૂર્વક 'ડેમેજ કંટ્રોલર'ની ભૂમિકા ભજવી હતી.
આજે તેમના ધર્મપત્ની ભાવનાબેનના નિધનથી સમગ્ર પટેલ પરિવાર શોકમગ્ન છે, ત્યારે દેશભરમાંથી રાજકીય નેતાઓ અને ઉચ્ચ સનદી અધિકારીઓ પ્રફુલભાઈ પટેલને ફોન અને સોશિયલ મીડિયાના માધ્યમથી સાંત્વના પાઠવી રહ્યા છે.