BREAKING NEWS

ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘમહેર, હાલોલમાં પાંચ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, જાણો આજની આગાહી

  • June 19, 2026 05:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં બે દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. ગઈકાલ સવારના છ વાગ્યાથી આજે સવારના છ વાગ્યા સુધીમાં ગુજરાતમાં 76 તાલુકામાં ઝાપટાથી લઈ સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 4.57 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ ગોધરામાં 3.35 ઈંચ, જાંબુઘોડામાં 3.15 ઈંચ, બરવાળામાં 2.76 ઈંચ, ચાર તાલુકામાં બેથી અઢી ઈંચ અને આઠ તાલુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ અન્ય તાલુકાઓમાં ઝાપટાથી લઈ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં હાલોલમાં વધુ અડધો ઈંચ વરસાદ પડતા કુલ પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.


મહેસાણાનાં કડીમાં અઢી ઈંચ વરસાદ, પંચમહાલનાં ઘોઘંબામાં અઢી ઈંચ, ખેડાનાં નડીયાદમાં બે ઈંચ, પંચમહાલનાં મોરવામાં બે ઈંચ વરસાદ, છોટાઉદેપુરનાં બોડેલીમાં દોઢ ઈંચ વરસાદ, મહીસાગરના કોઠંબામાં દોઢ ઈંચ વરસાદ, છોટાઉદેપુરનાં પાવી જેતપુરમાં દોઢ ઈંચ વરસાદ, મહીસાગરનાં સંતરામપુરમાં દોઢ ઈંચ વરસાદ, અમદાવાદનાં ધંધુકામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. 


આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 41 તાલુકામાં સામાન્ય ઝાપટાથી અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં ખેડાના ગલતેશ્વરમાં અઢી ઈંચ, બાડોલીમાં સવા બે ઈંચ, ગોધરામાં સવા બે ઈંચ, કલોલમાં બે ઈંચથી વધુ, ઘોઘંબામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.


છોટાઉદેપુર નગરમાં આજે (19મી જૂન) વહેલી સવારથી જ તેજ પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો હતો. જ્યારે બોડેલી તાલુકામાં પણ વહેલી સવારથી જ વાતાવરણ પલટાયું હતું. બોડેલીના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ચાચક, ઢોકલીયા, ઝાખરપુરા, માંકની, જબુગામ અને કકરોલિયા સહિતના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ લાંબા સમય બાદ પડેલો વરસાદ ખેતીલાયક હોવાના કારણે જગતનો તાત (ખેડૂતો) અત્યંત ઉત્સાહમાં આવી ગયો છે. 


પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. ધોધમાર વરસાદને પગલે ગોધરા, હાલોલ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. અનેક સોસાયટીઓ અને નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા, જે આગામી ખેતી માટે લાભદાયી માનવામાં આવી રહ્યા છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીમાંથી પણ રાહત મળી હતી.


હવામાન વિભાગની આજની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application