નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ’ના ટ્રેલર રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહેલા ચાહકો માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. આ મચ-અવેટેડ ફિલ્મનું ટ્રેલર ૨૪ જુલાઈના રોજ રિલીઝ થવાનું હતું, પરંતુ મેકર્સે તેને આગળની તારીખ માટે મુલતવી રાખ્યું છે.ગુરુવારે સેન ડિએગો કોમિક-કોન પેનલ ચર્ચામાં રણબીર કપૂર, રોકિંગ સ્ટાર યશ, નિર્દેશક નિતેશ તિવારી અને પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ ભાગ લીધો હતો. ફેન્સને આશા હતી કે આ ઇવેન્ટ પછી ટ્રેલર લોન્ચ થશે, પરંતુ નિર્માતા નમિત મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ટ્રેલર પાછળ ઠેલવાનું કારણ સ્પષ્ટ કર્યું હતું..નિર્માતા નમિત મલ્હોત્રાએ જણાવ્યું કે, "આજે અમારી ફિલ્મ 'રામાયણ' માટે ખૂબ જ ખાસ દિવસ છે. રામાયણને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવાનું મારું સ્વપ્ન હવે સોની પિક્ચર્સ એન્ટરટેઇનમેન્ટ સાથેની અમારી પાર્ટનરશિપ દ્વારા સાકાર થઈ રહ્યું છે. આ વૈશ્વિક ભાગીદારીને કારણે હવે અમે 'રામાયણ'નું ટ્રેલર બાદમાં વૈશ્વિક સ્તરે મોટો ધમાકો કરીને રિલીઝ કરીશું. ભારતીય સિનેમાના ૧૦૦થી વધુ વર્ષના ઇતિહાસમાં આ એક ગર્વની ક્ષણ હશે, કારણ કે આપણી 'રામાયણ' હવે હોલિવૂડની મોટી ગ્લોબલ મુવીની જેમ દુનિયાભરના દર્શકો સુધી પહોંચશે. નોંધનીય છે કે આ મેગા પ્રોજેક્ટ બે ભાગમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનો પહેલો ભાગ આ વર્ષે જ દિવાળીના તહેવાર પર થિયેટરોમાં રિલીઝ થશે..મુખ્ય સ્ટારકાસ્ટ જોઈએ તો રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશનો સમાવેશ થાય છે. આ સિવાય સની દેઓલ, રવિ દુબે, રકુલ પ્રીત સિંહ, લારા દત્તા, અરુણ ગોવિલ, વિવેક ઓબેરોય અને કુણાલ કપૂર જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.