BREAKING NEWS

ભરૂચમાં મોલની દિવાલ બાજુના ઘર પર પડતા પરિવાર દટાયોઃ પિતા-પુત્રનાં મોત

  • July 01, 2026 06:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભરૂચના આલી માતરીયા તળાવ વિસ્તારમાં નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઈટ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાંધકામ હેઠળના આ મોલની એક દિવાલ અચાનક નજીકમાં આવેલા રહેણાંક મકાન પર ધસી પડી હતી. જેમાં એક જ પરિવારના ચાર લોકો દટાઈ ગયા હતા. આ ગંભીર દુર્ઘટનામાં પિતા અને પુત્રનું મોત નીપજ્યું હતું જ્યારે બે મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં ફાયર વિભાગે બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ સજ્જ થઈને ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોના કાફલાએ સ્થાનિક લોકોની મદદથી યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ તંત્ર દ્વારા કાટમાળ નીચે દબાયેલા પિતા-પુત્રના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખસેડાયા હતા. આ ગંભીર બેદરકારી અને દુર્ઘટનાને પગલે સમગ્ર આલી માતરીયા તળાવ વિસ્તારમાં ભારે રોષ સાથે શોકની ગંભીર લાગણી પ્રસરી ગઈ છે.

દિવાલ પડવાની આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે ઘરમાં હાજર પરિવારના સભ્યોને બહાર નીકળવાનો કે પોતાનો જીવ બચાવવાનો સહેજ પણ મોકો મળ્યો ન હતો. આ કાળમુખી દિવાલ સીધી મકાન પર પડતાં જ આખું ઘર કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યો કાટમાળ નીચે ગંભીર રીતે દબાઈ ગયા હતા, જેના કારણે ઘટનાસ્થળે ચીસાચીસ અને આક્રંદનો માહોલ સર્જાયો હતો.

આ કમનસીબ ઘટનામાં પરિવારે પોતાના બે વહાલસોયા સભ્યો ગુમાવ્યા છે. કાટમાળ નીચે દબાઈ જવાથી ૨૧ વર્ષીય યુવાન આશિષ વસાવા અને તેમના પિતા અશ્વિન વસાવાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પિતા-પુત્રના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જોકે, સદનસીબે આ જ પરિવારની બે મહિલાઓનો કાટમાળમાંથી આબાદ બચાવ થયો છે. ઈજાગ્રસ્ત થયેલી બંને મહિલાઓને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

આ ઘટના બાદ મોલના સંચાલકો અને બિલ્ડર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. બાંધકામ દરમિયાન સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થયું હતું કે કેમ, તેમજ રહેણાંક વિસ્તારની આટલી નજીક યોગ્ય સેફ્ટી નેટ કે આડશ વગર કામ કેમ ચાલતું હતું તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે તપાસમાં જે પણ કસૂરવાર સાબિત થશે તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application