BREAKING NEWS

ભીમ અગિયારસે પણ મેઘરાજા દૂર, ખેડૂતોમાં ચિંતાનો માહોલ; સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વાવણીલાયક વરસાદની રાહ

  • June 25, 2026 06:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેડૂતો માટે વાવણીના શુભ મુહૂર્ત તરીકે ગણાતી ભીમ અગિયારસના પવિત્ર દિવસે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં નૈઋત્યના ચોમાસાના સ્પષ્ટ અણસાર જોવા મળ્યા નથી. પરિણામે વાવણી માટે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતોમાં અસલામતી અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઝાપટાથી માંડીને ધોધમાર વરસાદ વરસ્યો હતો.

રાજ્યના વરસાદના આંકડા મુજબ આજે સવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન નર્મદા, ડાંગ, નવસારી, તાપી અને છોટાઉદેપુર જિલ્લાના કુલ 14 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં નર્મદા જિલ્લાના સાગબારા તથા ડાંગ જિલ્લાના સુબીર અને આહવા તાલુકામાં બેથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રમાં માત્ર બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના અને રાજકોટ જિલ્લાના વિંછીયા પંથકમાં ત્રણથી પાંચ મીલીમીટર જેટલા હળવા વરસાદના ઝાપટાં નોંધાયા હતા.

ભારત હવામાન વિભાગના તાજા બુલેટિન મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઉત્તરીય મર્યાદા હાલ સુરત, ઇન્દોર, માંડિયા, ડાલ્ટનગંજ અને મોતીહારી વિસ્તાર સુધી પહોંચી છે. આગામી બે-ત્રણ દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના વધુ વિસ્તારો તેમજ ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ચોમાસાના વધુ આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ હોવાનું જણાવાયું છે.

હવામાન વિભાગે ગુજરાત પ્રદેશ તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં 25થી 30 જૂન દરમિયાન છૂટાછવાયા સ્થળોએ વરસાદી પ્રવૃત્તિ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ આગામી બે-ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના દર્શાવવામાં આવી છે. જોકે સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હજુ વ્યાપક અને વાવણીલાયક વરસાદની રાહ યથાવત છે.

રાજકોટ શહેરમાં ગઈકાલે મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે વહેલી સવારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયા બાદ સવારે 8:30 વાગ્યે તાપમાન વધીને 30.4 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આકાશમાં વાદળોની અવરજવર વચ્ચે હવામાં ભેજનું પ્રમાણ 77 ટકા નોંધાયું હતું જ્યારે પવનની સરેરાશ ગતિ 14 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.

રાજ્યમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન અમદાવાદમાં 40.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારબાદ રાજકોટમાં 39.6, સુરેન્દ્રનગરમાં 39.5, ડીસામાં 39.4, ગાંધીનગર અને વડોદરામાં 38.8, અમરેલીમાં 38.1, ભાવનગરમાં 37.8, કંડલામાં 37.3 તથા ભુજમાં 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

ભીમ અગિયારસે વરસાદના શુકન સાથે વાવણીની આશા રાખતા ખેડૂતો માટે હાલ હવામાન વિભાગની આગામી બે-ત્રણ દિવસની આગાહી આશાનું કિરણ સમાન બની છે. જો આગાહી મુજબ ચોમાસું ગુજરાતમાં વધુ આગળ વધશે અને સારો વરસાદ વરસશે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવણીની શરૂઆતનો માર્ગ મોકળો બની શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application