ગુજરાતમાં વરસાદ ખેંચાતા પડી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટને કારણે વીજળીની માંગમાં ધરખમ ઉછાળો આવ્યો છે. રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત વીજળીની માંગ ૨૯,૦૦૦ મેગાવોટની ઐતિહાસિક સપાટી પર પહોંચી ગઈ છે, જેના કારણે ઊર્જા વિભાગ પણ ચોંકી ઉઠ્યો છે.રાજ્યમાં વીજ વપરાશનો આ આંકડો અગાઉના તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. ગત વર્ષના ઉનાળા દરમિયાન વીજળીની મહત્તમ માંગ ૨૬,૬૦૦ મેગાવોટ નોંધાઈ હતી, જે તે સમયનો સર્વોચ્ચ આંકડો હતો. ત્યારબાદ ગયા અઠવાડિયે જ માંગ ૨૭,૦૦૦ મેગાવોટની નજીક પહોંચી હતી, પરંતુ સોમવારે ફરી ગરમી અને ઉકળાટ ચરમસીમા એ પહોચતા માંગ ૨૯,૦૦૦ મેગાવોટના નવા ઉંચા સ્તરે પહોંચીને નવો ઇતિહાસ રચ્યો છે.
હાલ આટલી વિક્રમી માંગ હોવા છતાં રાજ્ય સરકાર વીજ પુરવઠો જાળવી રાખવામાં સફળ રહી છે. પાવર એક્સચેન્જમાંથી સોમવારે પીક સમય દરમિયાન માત્ર ૭૦૦ મેગાવોટ વીજળી ખરીદવી પડી હતી. સેન્ટ્રલ સેક્ટરના પ્રોજેક્ટ્સ, ખાસ કરીને એનટીપીસી તરફથી રાજ્યને મોટો હિસ્સો મળી રહ્યો છે.
સોમવારે સેન્ટ્રલ સેક્ટર દ્વારા રાજ્યને ૯,૦૦૦ મેગાવોટ વીજળી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, રિન્યુએબલ એનર્જી સ્ત્રોતો પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે, જેમાં સોલાર પાવર પ્લાન્ટ્સનું ઉત્પાદન ૭,૦૦૦ મેગાવોટ અને વિન્ડ પાવરનું ઉત્પાદન ૪,૦૦૦ મેગાવોટ જેટલું રહ્યું હતું. જીસેક કંપની દ્વારા રાજ્યના માલિકીના પાવર સ્ટેશનોમાંથી પણ સારો એવો પુરવઠો મળી રહ્યો છે. સોમવારે જીસેક દ્વારા ૪,૦૦૦ મેગાવોટ વીજળી મળી હતી. આ ઉપરાંત, અદાણી ગ્રુપ તરફથી ૧,૩૦૦ મેગાવોટ, ટાટા પાવરની કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ દ્વારા ૧,૦૦૦ મેગાવોટ અને એસ્સાર દ્વારા ૮૦૦ મેગાવોટ વીજળીનું યોગદાન મળ્યું હતું.
બીજી બાજુ રાજ્યમાં વરસાદની ખેંચને કારણે ખેડૂતોના વાવેતરને બચાવવા માટે સરકાર ખેતીવાડી ક્ષેત્રે પૂરતી વીજળી આપવા માટે કટિબદ્ધ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખેડૂતોના પાકને બચાવવા માટે સરેરાશ ૧૦૦ મિલિયન યુનિટ વીજળી આપવામાં આવી રહી છે. સોમવારે કૃષિ ક્ષેત્રને ૧૦૫ મિલિયન યુનિટ વીજળી ફાળવવામાં આવી હતી, જે લગભગ ૧૦,૫૦૦ મેગાવોટની માંગ સમાન છે.આમ, ગરમીના આ કપરા સમયમાં સરકારે વીજળીના સુચારુ વ્યવસ્થાપન દ્વારા માંગ અને પૂર્તિ વચ્ચે સંતુલન જાળવી રાખ્યું છે.